(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૩
Jamnagarમાં ગઈકાલે મહાપ્રભુજીની બેઠક પાસે જામનગર મહાનગરપાલિકા ની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસને અંદાજે રૂપિયા ૭૦,૦૦૦નું નુકસાન થયું હતું, જ્યારે બસમાં મુસાફરી કરી રહેલી સજુબા શાળાની ૪ વિદ્યાર્થીનીઓને સામાન્ય છોલ-છાલની ઈજાઓ પહોંચી હતી.
ફરિયાદ મુજબ, પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા અને જે.એમ.સી.માં છેલ્લા ત્રણ વર્ષથી સિટી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ઇકબાલ કુરેશી ગઈકાલ તા ૨૨ જૂન, ૨૦૨૬ના રોજ સવારે આશરે સાડા નવ વાગ્યે મનપાની બસ નં. જીજે-૧૦-ટીએક્સ-૩૭૪૮ લઈને ખીમલિયા તરફથી સજુબા સ્કૂલની ૧૭ જેટલી વિદ્યાર્થીનીઓને લઈ જઈ રહ્યા હતા. બસ મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાસે પહોંચી ત્યારે તેની આગળ અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક નં. જીજે-૧૦-ટીએક્સ-૧૧૩૬ ચાલતો હતો.
આરોપ છે કે ટ્રક ચાલક દિનેશભાઈ સામતભાઈ વઘોરા (રહે. પવનચક્કી વિસ્તાર, જામનગર) ટ્રકને બેદરકારી અને ગફલતપૂર્વક ચલાવી રહ્યો હતો. સાલુપીરની દરગાહ નજીક પહોંચતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી સિટી બસ ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ હતી.અકસ્માતના કારણે બસના આગળ તથા પાછળના કાચ તૂટી ગયા હતા તેમજ બસના આગળના ભાગે નુકસાન થયું હતું. ફરિયાદમાં અંદાજે રૂપિયા ૭૦,૦૦૦ જેટલી નુકસાની થયાનું જણાવાયું છે.
ઉપરાંત બસમાં બેઠેલી સજુબા સ્કૂલની ૪ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી, જોકે તેમણે કોઈ તબીબી સારવાર લીધી નહોતી.આ બનાવ અંગે બસ ડ્રાઈવર સમીરભાઈ કુરેશીની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક દિનેશભાઈ સામતભાઈ વઘોરા સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

