Valsad,તા.૬
Valsad જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાંથી માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અજાણ્યા અસામાજિક તત્વોએ નિર્દોષ અને અબોલ પશુઓ પર એસિડ ફેંકી ગંભીર ઇજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, પલસાણા ગામમાં રસ્તા પર ફરતા અને ચારો શોધતા ૪ થી ૫ જેટલા ગાય અને આખલાઓ પર કોઈ અજાણ્યા શખ્સોએ દાહક રસાયણ ફેંક્યું હતું. આ હુમલાના કારણે પશુઓના શરીરના અનેક ભાગોમાં ગંભીર દાઝ્યા હતા. ખાસ કરીને પીઠ અને પેટના ભાગે ચામડીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ગામલોકો અને પશુપ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પશુઓની હાલત જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ પશુઓ પીડાથી કણસી રહ્યા હતા અને તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી.
આ ઘટના અંગે માહિતી મળતાં પશુ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને જીવદયા કાર્યકરો પણ સક્રિય બન્યા હતા. વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા ઘાયલ પશુઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગ્રામજનો અને સ્થાનિક પશુપ્રેમીઓએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેઓએ વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ માંગ કરી છે કે ગામ અને આસપાસના વિસ્તારોમાં લગાવેલા ઝ્રઝ્ર્ફ કેમેરા તેમજ અન્ય પુરાવાઓના આધારે જવાબદાર લોકોને શોધી કાઢવામાં આવે અને તેમની સામે પશુ ક્રૂરતા સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રાણીઓ પ્રત્યે વધતી અસંવેદનશીલતા અંગે ચર્ચા જગાવી છે. નિર્દોષ અને અબોલ જીવજંતુઓ પર આ પ્રકારની ક્રૂરતા કરનારાઓ સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

