ખોખરા પોલીસે નિખિલ ખુરાના, સાહિલ ખુરાના અને રાહુલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી
અમદાવાદ, તા.૪
જશોદાનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ વેપારી એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ટ્રેન દ્વારા પંજાબ જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેનમાં ફિરોઝાપુરના એક યુવકે તેમની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આરોપીએ વીડિયો કોલ પર બીભત્સ વાતો કરીને વૃદ્ધને ઉત્તેજિત કર્યા અને તેમના અશ્લીલ વીડિયો બનાવી લીધા હતા. આ પછી આરોપીએ તેના બે સાથીદારો સાથે મળીને આ વીડિયો વૃદ્ધના સગા-સંબંધીઓને મોકલવાની અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. વધુમાં, આરોપીઓએ પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે આપીને ૧૫ લાખ રૂપિયાની માગણી કરી હતી અને વૃદ્ધ પાસેથી રૂ. ૮.૮૮ લાખ પડાવી લીધા હતા. આ મામલે વૃદ્ધે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જશોદાનગરમાં રહેતા આ વૃદ્ધ કેટરિંગનો વ્યવસાય કરે છે. ગત વર્ષ ૨૦૨૩માં પંજાબના જલંધરમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી તેઓ અમદાવાદથી ટ્રેનમાં જલંધર જવા નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન ફિરોઝાપુર સ્ટેશનથી તેમની બાજુની સીટ પર નિખિલ ખુરાના નામનો પેસેન્જર આવીને બેઠો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ અને ફોન નંબરની આપ-લે કરી હતી. બાદમાં નિખિલે જણાવ્યું કે તે વિદેશ જવા માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે, તેની માતાની તબિયત ખરાબ છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પરીક્ષાની ફી ભરવા માટે રૂપિયાની જરૂર છે. આથી તેણે ૧૭ હજાર રૂપિયાની માગણી કરી હતી, જે વૃદ્ધે તેને આપ્યા હતા. આ દરમિયાન આરોપી નિખિલે પોતાનો એક અશ્લીલ વીડિયો વૃદ્ધને મોકલ્યો હતો. જ્યારે વૃદ્ધે તેને પૂછ્યું કે આ શું છે, ત્યારે તેણે ભૂલથી વીડિયો મોકલાઈ ગયો હોવાનું બહાનું કાઢ્યું હતું. એટલું જ નહીં, સપ્ટેમ્બર ૨૦૨૫માં નિખિલે ફરી વીડિયો કોલ કરીને બીભત્સ વાતો કરી વૃદ્ધને ઉત્તેજિત કર્યા અને તે સમગ્ર વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. બાદમાં તે વીડિયો તેણે વૃદ્ધને મોકલી આપ્યો હતો. ત્યારબાદ નિખિલના ભાઈ સાહિલે ફોન કરીને વૃદ્ધને વીડિયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. તેણે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે આપી વૃદ્ધને ડરાવીને ૧૫ લાખની માગણી કરી હતી. અંતે વૃદ્ધે ૮.૮૮ લાખ આરોપીઓને આપી દીધા હતા. આ બાબતે વૃદ્ધે સાયબર હેલ્પલાઈન પર જાણ કરીને મદદ મેળવી હતી અને ત્યારબાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નિખિલ ખુરાના, સાહિલ ખુરાના અને રાહુલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

