Ahmedabad,તા.૪
Ahmedabad જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા અને શેખડી ગામની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી એક મહિલા શિક્ષિકાનો અર્ધ નગ્ન અને સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર પંથકમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ આ મામલો ઘાતકી હત્યાનો હોવાનું જણાઈ રહ્યું હતુ. મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોય તેવું અનુમાન લગાવવાની ચર્ચા થઈ રહી હતી.
મૃતક મહિલાની ઓળખ રીનાબેન બળદેવભાઈ ઝાલા તરીકે થઈ છે. તેઓ મૂળ બદરખા ગામના વતની હતા અને હાલ ધોળકાના બાલાજી સ્ક્વેર, કલીકુંડ ખાતે પરિવાર સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ કેસમાં મોટી અપડેટ આવી છે કે, આ ક્રૂર હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતક મહિલાના જ પતિએ કરી હતી.
ધોળકા રૂરલ પોલીસે આ ચકચારી કેસમાં મૃતક મહિલા શિક્ષિકા રીનાબેન બળદેવભાઈ ઝાલાના પતિની ધરપકડ કરી લીધી છે. પતિએ પ્રેમ સંબંધની આશંકાએ પત્નીની હત્યા કર્યાનું સામે આવી રહ્યું છે. પોલીસે આરોપી પતિની વધુ પૂછપરછ શરૂ કરી છે.
મૃતક પરિણીતા ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આ શિક્ષિકા કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે આવ્યા હતા. વસ્તી ગણતરીની ફરજ પર ગયેલા શિક્ષિકા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારમાં ચિંતા છવાઈ હતી. આ અંગે પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં માહિતી મળી રહી છે કે, ગત રોજ તેઓ કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે ન આવતા પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. નર્મદા કેનાલની નજીક આવેલા ખેતરમાં રહેતા એક સ્થાનિક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર કેનાલના પાળા પર પડેલા અર્ધ નગ્ન સળગેલા મૃતદેહ પર પડી હતી. જે બાદ તાત્કાલિક ધોળકા રૂરલ પોલીસને આ અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસનો કાફલો આવીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ મહિલાની હત્યા કરીને પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવી દીધાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ પરિણીત શિક્ષિકા બે બાળકોની માતા છે. આ હત્યામાં ધોળકા પોલીસે તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમોને ઘટનાસ્થળે બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હાલમાં મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રીનાબેનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને આ ગુના પાછળ કોનો હાથ છે, તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

