UAE,તા.20
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષે હવે નવો વળાંક લીધો છે. અત્યાર સુધી અમેરિકાના સાથી ગણાતા સંયુક્ત આરબ અમીરાત (UAE) એ વોશિંગ્ટન પાસે યુદ્ધમાં થયેલા નુકસાન માટે વળતરની માંગણી કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, UAE એ સ્પષ્ટ કર્યું છે કે, જો અમેરિકા આર્થિક ગેરંટી નહીં આપે, તો તે તેલના વેપાર માટે ડોલર છોડીને ચીની ચલણ યુઆન તરફ શિફ્ટ થઈ શકે છે.
UAE ના અધિકારીઓનો દાવો છે કે અમેરિકાએ પ્રાદેશિક સહયોગીઓ સાથે ચર્ચા કર્યા વગર આ યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધમાં મિડલ-ઈસ્ટના દેશોની સંપત્તિઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ઈરાની મિસાલોએ દુબઈના ફેયરમોન્ટ ધ પામ હોટેલ અને એમેઝોનના બે ડેટા સેન્ટરને નુકસાન પહોંચાડ્યું છે. ફુજૈરા તેલ નિકાસ ટર્મિનલ જેવી ઉર્જા સુવિધાઓને મોટું નુકસાન થયું છે. ડેટા સેન્ટરો પરના હુમલાથી આખા ક્ષેત્રમાં ક્લાઉડ અને કમ્પ્યુટિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે અને બેંકિંગ સેવાઓ ઠપ્પ થઇ ચુકી છે. આ યુદ્ધ અમેરિકા માટે અત્યંત મોંઘું સાબિત થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકા દરરોજ 89 કરોડ થી 1 અબજ ડોલર યુદ્ધ પાછળ ખર્ચ કરી રહ્યું છે. ખાડી દેશોમાં ઉર્જા માળખાના સમારકામનો ખર્ચ 60 અબજ ડોલર થી વધુ થવાનો અંદાજ છે. સાઉદી અરેબિયાએ પણ તેની રાસ તનુરા રિફાઇનરી બંધ કરવી પડી છે અને કતારની LNG નિકાસ ક્ષમતામાં 17% નો ઘટાડો થયો છે.UAE સેન્ટ્રલ બેંકના ગવર્નર ખાલિદ મોહમ્મદ બાલામાએ અમેરિકી ફેડરલ રિઝર્વ પાસે કરન્સી સ્વેપની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો હોર્મુઝ ખાડીની નાકેબંધીને કારણે ડોલરની આવક ઘટશે, તો UAE તેલના વેપારમાં યુઆન અથવા અન્ય ચલણનો ઉપયોગ કરવા મજબૂર બનશે. આ પગલું વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરની પકડ નબળી પાડી શકે છે.માત્ર સાથી દેશો જ નહીં, પણ ઈરાને પણ સાઉદી અરેબિયા, UAE, કતાર અને જોર્ડન પાસે આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘન બદલ 270 અબજ ડોલર નું વળતર માંગ્યું છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ 22 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે મંત્રણામાં કોઈ પ્રગતિ ન થતા ખાડી દેશોમાં ભારે ચિંતા છે.

