(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૯
હંમેશા કામનું કૌશલ્ય અને હુન્નર પોતાની આગવી ઓળખ ઊભી કરતું હોય છે. ત્યારે અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ખોબા જેવડા ગામ ‘‘તાજપર‘‘ ગામની હાથ બનાવટના ગોદડાની માંગ સાત દેશોમાં બોલબાલા થઈ છે. ઇન્ટરનેટ વિહોણા ગામ તાજપર ગામમાં સોશિયલ મિડીયાના માધ્યમથી વિદેશમાં ગોદડાનો વ્યવસાય વિકસાવીને આ હાથ બનાવટના ગોદડા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન પહોંચ્યા છે. જ્યારે ૬ મહિના પહેલા શરૂ કરેલો ગોદડા સિવવાના વ્યવસાયે દેશના સીમાડાઓ વટાવીને હુન્નર સાથેની ગુણવતાની નવી મિસાલ કાયમ કરી અને સંગાથે ગોદડા બનાવવાના વ્યવસાયને રોજગારી બનાવીને સ્વરોજગાર સાથે આત્મનિર્ભર ભારતમાં મહિલાઓને પણ રોજગારીઓ પૂરી પાડવામા આવી રહી છે. ત્યારે ગોદડા બનાવવાની પરંપરાગત કળાને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરનારા તાજપર ગામના મહિલા હંસાબેન રાઠોડે નવી સિધ્ધિ સર કરી છે.
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના તાજપર ગામની વસ્તી ૧૨૦૦ લોકોની છે. પણ તાજપર ગામે શિયાળામાં રાહત આપતા ગોદડાએ તેમની વિદેશમાં નવી ઓળખ ઊભી કરી છે. તાજપર ગામના હંસાબેન દાનસંગભાઈ રાઠોડ નામની મહિલાએ આજથી ૬ મહિના પહેલા એક ગોદડું બનાવતા બનાવતા વિચાર આવ્યો હતો. અને તે વિચારને સોશિયલ મીડિયામાં વ્હેતું કરતા નવો વ્યવસાયનો સ્ત્રોત ઊભો થયો હતો.
આ ૫૫ વર્ષની ઉંમર ધરાવતા હંસાબેન માત્ર ધોરણ ૨ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે ૨૫ વીઘા જેટલી ખેતીની જમીન પણ છે. ખેતી સાથે કંઈક અલગ કામ કરવાની વિચારણા સાથે તેમણે આશરે છ મહિના પહેલાં ગોદડા બનાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆત નાની હતી, પરંતુ હુન્નર અને ગુણવત્તાના કારણે કામ ધીમે ધીમે આગળ વધતું ગયું. હંસાબેને બનાવેલું પ્રથમ ગોદડું સુરતમાં વેચાયું હતું.
ત્યારબાદ તેમના બનાવેલા ગોદડાની જાણકારી એક ગ્રાહકથી બીજા ગ્રાહક સુધી પહોંચતી ગઈ અને ગોદડાની માંગમાં વધારો થવા લાગ્યો. આજે તેમના ગોદડા ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યોમાં પણ વેચાય છે. એટલું જ નહીં, વિદેશમાં વસતા લોકો પણ આ ગોદડા મંગાવી રહ્યા છે. હંસાબેનના જણાવ્યા મુજબ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન, દુબઈ સહિત વિદેશના વિવિધ સ્થળોએ તેમના ગોદડા પહોંચ્યા છે.
અત્યાર સુધીમાં ૬૦૦ થી પણ વધુ ગોદડાઓ વિદેશમાં વેચાયા હોવાનું તેઓ જણાવે છે. ગામડાની મહિલાના હાથથી તૈયાર થયેલું ગોદડાનું ઉત્પાદન વિદેશ સુધી પહોંચે તે વાત તાજપર સહિત સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત બની છે. આ હંસાબેનના વ્યવસાયની ખાસિયત તેની સતત વધી રહેલી માંગ છે. દરરોજ આશરે ૧૫ જેટલા ગોદડાનું કામ અને વેચાણ થાય છે. મહિનામાં આશરે ૪૦૦થી ૬૦૦ ગોદડાનું વેચાણ થતું હોવાનું જણાવાય છે.
ગુજરાતમાં એક ગોદડાની કિંમત આશરે રૂ.૧૮૦૦ રાખવામાં આવે છે, જ્યારે ગુજરાત બહાર ભારતના અન્ય વિસ્તારોમાં તેની કિંમત આશરે રૂ.૨૨૦૦ સુધી રહે છે. વિદેશમાં પણ ગોદડાની મૂળ કિંમત આશરે રૂ.૧૮૦૦ છે, જ્યારે તેને વિદેશ મોકલવા માટેનો કુરિયર ખર્ચ અલગથી રહે છે.
એક ગોદડું તૈયાર કરવા માટે આશરે ૫ મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. કાપડની ગુણવત્તા પ્રમાણે તેની કિંમત પ્રતિ મીટર આશરે રૂપિયા ૫૫ થી રૂપિયા ૧૪૦ સુધી રહે છે. ગોદડાની અંદર સૂતી કોટન રૂ (કોટન) તથા પોલ રૂ?કોટન) નો ઉપયોગ કરવામાં આવે છે. રૂ ની કિંમત પ્રતિ કિલો આશરે રૂપિયા ૧૫૦ થી રૂપિયા ૨૦૦ સુધી હોય છે. અને એક ગોદડામાં આશરે ૧.૫ કિલો રૂ ભરવામાં આવે છે ગોદડાને સુંદર અને ટકાઉ બનાવવા માટે તેની અંદર રૂ ભર્યા બાદ દોરા વડે સિવણ કરવામાં આવે છે. ગોદડાની ડિઝાઇન, કાપડની પસંદગી, રૂ નું ભરાણ અને સિવણ આ તમામ પ્રક્રિયામાં મહિલાઓની મહેનત જોડાયેલી છે.
એક ગોદડા પાછળ આશરે રૂપિયા ૩૦૦ મજૂરી પણ ચૂકવવામાં આવે છે. હંસાબેનની સૌથી મોટી સિદ્ધિ માત્ર તેમના પોતાના વ્યવસાય પૂરતી સીમિત નથી. તેમના આ કામથી ગામની અન્ય મહિલાઓ અને લોકોને પણ રોજગારી મળી રહી છે. ગોદડા બનાવવાના કામમાં ગામના આશરે ૨૦ થી ૨૫ લોકોને રોજગાર મળ્યો છે. આમ, એક મહિલાએ શરૂ કરેલું નાનું કામ આજે અનેક પરિવારો માટે આવકનું સાધન બન્યું છે.
તેમની સાથે જોડાયેલ એક બહેને જણાવેલ કે, હંસાબેન રાઠોડે કરેલા ગોદડા બનાવવાના વ્યવસાયે વિદેશમાં ગોદડા વેચીને નવી ઓળખ ઊભી કરી સાથે સાથે ગામની ૨૦ થી ૨૫ જેટલી મહિલાઓ માટે એક ગોદડાની ૩૦૦ મજૂરી લેખે ૨ ગોદડાની ૬૦૦ મજૂરીથી એક દિવસમાં ૨ ગોદડાઓ તૈયાર મહિલાઓ કરીને આત્મનિર્ભર ભારતનું નવું શિખર પણ સર કર્યું છે. ત્યારે ઇન્ટરનેટ વિહોણા તાજપર ગામમાં માતા હંસાબેનના કૌશલ્ય સાથેની ગોદડા બનવાની આવડત વિદેશમાં પહોંચીને દીકરાએ માતાને વિદેશની ધરતી પર ગોદડાનો વ્યવસાયનો નવો ચિલો ચીતર્યો છે
માત્ર છ મહિનામાં ગોદડા બનાવવાના વ્યવસાય એવી રીતે વિકસાવ્યો છે કે, આજે તેમના બનાવેલા ગોદડાની માંગ દેશ-વિદેશમાં જોવા મળી રહી છે. ત્યારે સૌથી ઉત્તમ ઉદાહરણ એ છે કે સફળતા માટે મોટી ડિગ્રી કે, મોટા શહેરમાં મોટું મકાન જરૂરી નથી. હાથમાં હુન્નર, કામ પ્રત્યેની લગન અને ગુણવત્તા જાળવવાનો સંકલ્પ હોય તો ગામડામાંથી પણ એવું ઉત્પાદન ઊભું કરી શકાય છે.
જેની માંગ વિદેશ સુધી પહોંચી શકે છે અને ૬ મહિના પહેલાં શરૂ કરેલી ગોદડા બનાવવાની શરૂઆત આજે વિદેશી ગ્રાહકો સુધી પહોંચી છે. ૬૦૦થી વધુ ગોદડા વિદેશ મોકલવાની સિદ્ધિ અને ૨૦ થી ૨૫ લોકોને રોજગાર આપતી હંસાબેનની મહેનત તાજપર ગામની મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. ખેતીની સાથે ઘરગથ્થુ કૌશલ્યને વ્યવસાયમાં ફેરવીને હંસાબેને સાબિત કર્યું છે કે ગામડાની પરંપરાગત કલાને યોગ્ય બજાર મળે તો તે પણ આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી શકે છે.

