ઝેરોક્ષની દુકાન ચલાવતા વ્યક્તિને ટ્રેડીંગમાં મોટા નફાની લાલચ આપીને અંકલેશ્વરના શખ્સે રોકાણ કરાવ્યું હતું
Anand, તા.૧૨
Anand તાલુકાના નાવલી ગામે ઝેરોક્ષની દુકાન ધરાવતા યુવાનને ઓનલાઇન ટ્રેડીંગમાં મોટો નફો મળશે તેવી લાલચ આપીને અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા એક શખ્સે તેમની પાસેથી ૯૫ હજાર ડોલરનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં કોઈ વળતર નહીં આપીને હાથ અદ્ધર કરી દઈ છેતરપિંડી કરી હતી. જે અંગે આણંદ રૂરલ પોલીસમથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર Anand તાલુકાના નાવલી ગામે રીતેશકુમાર ગોવિંદભાઈ ઠાકોર (ઉ.વ. ૪૫) રહે છે અને ઝેરોક્ષની દુકાન ચલાવે છે. ૨૦૨૩ માં ગામના નયનાબેન ભાવિનભાઈ પટેલને ત્યાં તેમના ભાઈ યશકુમાર દિલિપભાઈ પટેલ જેઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં તીર્થ એપાર્ટમેન્ટ ખાતે રહે છે. તેઓ આવ્યા હતા અને તેમની દુકાને આવી બેસતા હતા. તેઓ તેમને દરરોજ ઓનલાઈન ટ્રેડીંગ તથા ઈન્વેસ્ટમેન્ટનું કામ કરતા હોય તે બતાવતા હતા અને કહેતા હતા.
મેં ટ્રેડીંગ કર્યું તેમાં મને સારો એવો નફો મળ્યો છે જેથી તમે પણ આમાં ઈન્વેસ્ટમેન્ટ કરો તો સારો નફો મળશે. તેવી લાલચ આપી હતી તેમજ એવી બાંહેધરી પણ આપી હતી કે તમારું પેમેઈન્ટ નફા સાથે પાછું આવશે. જેથી તેમની વાતોમાં આવી ગયેલા રીતેશભાઈ ઠાકોરે વિશ્વાસ કરીને જયારે યશકુમાર પટેલ આવ્યા ત્યારે ગત તા. ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ બપોરે એક વાગે તેમણે રીતેશના મોબાઈલ ફોન ઉપરથી પ્રોપી પ્રો ટોકન ઈન ટોકન નામનું વેલેટ એકાઉન્ટ બનાવી આપ્યું હતું અને તેમને યુએસડીટી ૨૦૦ ડોલર તથા યુએસડીટી ૩૨૦ ડોલર સીએમસી નામની કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું.૨૦ થી ૨૫ દિવસ પછી તેમના વોલેટમાં ૮૦૦ ડોલરનો નફો બતાવ્યો હતો.
એટલે તેમણે યશને કહ્યું હવે મૂડી અને નફો કાઢી લઈએ. એટલે યશે વિડ્રોયલ માટે સીએમસી નામની કંપનીમાં ઈમેઈલ કર્યો હતો એટલે ત્યાંથી જવાબ આવ્યો તમારે વિડ્રોયલ માટે ૯૦ ડોલર જેટલી ફી ભરવી પડશે અને પાંચ થી સાત દિવસમાં નાણાં આવી જશે. તેમણે ફી ભરી દીધી. દસ દિવસ થઈ ગયા પરંતુ નાણાં આવ્યા નહી. એટલે તેમણે યશને ફોન કર્યો ત્યારે યશ પટેલે કહ્યું કે એક બે દિવસમાં આવી જશે.
ત્યારબાદ તેમના મેઇલમાં યુએસડીટી ૨૫૦૦ ડોલર પ્રોફિટ બતાવાયો હતો. યશે વધુમાં કહ્યું કે તમે ચિંતા ન કરો ફી ભરી દો તમારું પેમેન્ટ આવી જશે અને નહી આવે તો હું તમને મારા ખિસ્સામાંથી આપીશ. તેમ જણાવી વિશ્વાસ આપ્યો હતો.આમ યશ પટેલે રીતેશકુમારને અલગ અલગ બહાના બતાવીને ઉંચો નફો બતાવી વારંવાર સર્વર બંધ છે તથા અન્ય બહાનાં કાઢીને દુબઈ તથા અન્ય સ્થળેથી ફાઈલો મોકલી અલગ અલગ રીતે ડોલરની ફી ભરાવતા હતા અને નફો બતાવીને બહાનાં બનાવતા હતા. ઘણી વખત કહેતો હું દુબઈ પહોંચી ગયો છું તૈયારીમાં પેમેન્ટ કરાવી દઉં છું. આપણે વકીલ રોક્યો છે, જે જલ્દીથી વિડ્રોલ કરી આપશે તેમ કહી વધારેને વધારે ચાર્જ ભરાવતો હતો. આમ ૯૫૦૦૦ ડોલર તેમની પાસેથી ભરાવ્યા હતા.
આ નાણાં રીતેશકુમારે ઉછીના લીધા હતા સગાંવહાલાં પાસેથી પણ લીધા હતા અને મિત્ર વર્તુળમાંથી લીધા હતા જેથી તે દેવાળીયો થઈ ગયો હતો.આ નાણાં હજુ પાછા મળતાં ન હોવાથી પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જેથી આખરે નાછુટકે રીતેશકુમારે ગઈકાલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચી જઈને પોતાની સાથે ઓનલાઇન ટ્રેડિંગ ના નામે છેતરપિંડી કરનાર યશ દિલિપભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

