Kutch, તા.17
કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં ગત મધ્યરાત્રિના 1ઃ22 વાગ્યે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા અને ભય અને ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં આ ત્રીજો આંચકો નોંધાયો છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે 1ઃ22 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) દિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા તેમજ આસપાસના મોટા વિસ્તારમાં તેના જોરદાર કંપન અનુભવાયા હતા. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની વિગતો મળી નથી.
આ પહેલાં શુક્રવાર, 16 જાન્યુઆરીના રોજ પણ કચ્છમાં બે હળવા આંચકા નોંધાયા હતા. જેમાં બપોરે 1ઃ50 કલાકે ભચાઉથી 21 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપ 23.9 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
તે પહેલાં, શુક્રવારે વહેલી સવારે 5ઃ47 કલાકે રાપરથી 19 કિલોમીટર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આમ એક જ દિવસમાં ઉપરાછાપરી આવેલા આ ત્રણ આંચકા, ખાસ કરીને 4.1ની તીવ્રતાના ભૂકંપે, સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ પેદા કર્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ સિસ્મિક ઝોન-5 માં આવતો હોવાથી અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

