Gandhinagar,તા.31
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના ખેડૂતોના હિતમાં ફુવારા અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિમાં સબસીડી વધારવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી ખેડૂતોને પાણીની બચત થાય છે અને ખેડૂતો ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવે છે.
આ યોજનામાં સબસીડી વધારવાની આ રજુઆતને રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સબસીડી વધારવાનો નિર્ણય એ વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં રાજ્ય સરકાર કરવા જઈ રહી છે.
આ ઉપરાંત મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોના જે કંઈ પણ પ્રશ્નો હોય એ સંદર્ભે કિસાન સંઘ દ્વારા હર હંમેશ અમારૂ ધ્યાન દોરવામાં આવે છે અને સરકાર કાયમ માટે આ પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે સતત પ્રયત્નો કર્યા છે અને કરતી રહેશે.
તેમણે કહ્યું કે, કિસાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મારા સહિત ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત અન્ય પદાધિકારીઓની સમિતિ રચી છે જે નિયમિત રીતે કિસાન સંઘ સાથે બેઠકો યોજીને પરામર્શ કરે છે અને તેઓ મુખ્યમંત્રીને પણ મળીને પરામર્શ કરતા હોય છે.
મંત્રીએ કહ્યું હતું કે, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના 14 જેટલા સેટલમેન્ટના ગામોનો રેવેન્યુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જિલ્લાના ગામોમાં ઇકોસેન્સીટિવ ઝોન એ પણ એક પ્રશ્ન રહેતો હોય છે, ત્યારે એમની મુશ્કેલીના નિવારણ માટે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની સાથે ખેડૂતના પ્રતિનિધિઓ, કિસાન સંઘ વગેરે સાથે ચર્ચા કરીને ખેડૂતને મુશ્કેલી ન થાય એમના માટે રાજ્ય સરકારે હકારાત્મક વલણ દાખવીને ખેડૂતોના હિતમાં ચર્ચા કરશે.

