New Delhi, તા.9
પ્રખ્યાત સંગીતકાર અને ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાન આવતી કાલે અટારી બોર્ડર પર એક ખાસ કાર્યક્રમમાં લાઈવ પરફોર્મન્સ આપવાનાં છે. ‘જય હો – અ ટ્રિબ્યુટ ટુ ધ બ્રેવહાર્ટ્સ’ નામનો આ સંગીતમય કાર્યક્રમ દેશની સરહદોની રક્ષા કરતાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના બહાદુર જવાનોને સન્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો છે.
આ અનોખો કાર્યક્રમ અટારી બોર્ડર પર યોજાતી પરેડ સેરેમની દરમિયાન સાંજે 4ઃ30 થી 5ઃ30 વાગ્યા વચ્ચે યોજાશે, જે દેશભક્તિ અને સંગીતનો એક અદભુત સંગમ બની રહેશે.
આ ખાસ કાર્યક્રમ જાણીતાં ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ ‘મેં વાપસ આઉંગા’ની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે એ.આર. રહેમાનની સાથે ફિલ્મ નિર્દેશક ઇમ્તિયાઝ અલી, અભિનેતા વેદાંગ રૈના અને જાણીતાં ગાયક મોહિત ચૌહાણ સહિતનાં કલાકારો પણ જવાનોનો ઉત્સાહ વધારવા માટે સરહદ પર હાજર રહેશે. કલાકારો સંગીતનાં માધ્યમથી દેશનાં સૈનિકોના ત્યાગ, સમર્પણ અને વીરતા પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરશે.
જો ફિલ્મ ‘મેં વાપસ આઉંગા’ ની વાત કરીએ તો, તે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી ભારતીય ફિલ્મોમાંની એક છે. ભારત અને પાકિસ્તાનનાં ભાગલાની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મમાં મનોજ બાજપેયી, દિલજીત દોસાંજ અને શરવરી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મ માટે ઇમ્તિયાઝ અલી, સંગીતકાર એ.આર. રહેમાન અને ગીતકાર ઇરશાદ કામિલની સુપરહિટ ત્રિપુટી ફરી એકવાર સાથે આવી છે, જે અગાઉ ‘રોકસ્ટાર’ અને ‘તમાશા’ જેવી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂકી છે.

