ભારતની હાલત બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ ખરાબ થઈ શકે છે; ઈરફાન અન્સારીની ચેતવણી, ભાજપની કાયદેસરની કાર્યવાહીની માગ
New Delhi તા.૬
દેશમાં યુવાનો, ખેડૂતો, મધ્યમ વર્ગ, દલિતો અને આદિવાસીઓમાં સરકાર સામે ભારે અસંતોષ હોવાનો દાવો કરતાં ઝારખંડના કોંગ્રેસી સ્વાસ્થ્ય મંત્રી ઈરફાન અન્સારીએ આપેલા નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. અન્સારીએ દાવો કર્યો છે કે Rahul Gandhiના એક ઈશારે ૪૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી શકે છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર સમયસર સ્થિતિ નહીં સંભાળે તો ભારતની હાલત બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ ખરાબ થઈ શકે તેવી ચેતવણી પણ તેમણે આપી છે.
ઈરફાન અન્સારીએ જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં દિલ્હી ગયા હતા, જ્યાં તેમની મુલાકાત અનેક યુવાનો સાથે થઈ હતી. તેમના જણાવ્યા મુજબ, દેશમાં યુવાનો ઉપરાંત ખેડૂતો, મધ્યમ વર્ગ, દલિતો અને આદિવાસીઓમાં પણ સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. અન્સારીએ વધુમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ દેશના ૪૦ લાખ યુવાનોને અત્યાર સુધી રોકી રાખ્યા છે. જો રાહુલ ગાંધી એક ઈશારો કરે તો આ યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી શકે છે. આટલી મોટી સંખ્યામાં લોકો આંદોલન માટે રસ્તા પર ઊતરે તો સરકાર તેમને રોકવા કેટલું બળ વાપરશે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
કોંગ્રેસી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સમયસર પરિસ્થિતિ સંભાળવાની જરૂર છે. અન્યથા દેશમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ભારતની હાલત બાંગ્લાદેશ તથા નેપાળ કરતાં પણ ખરાબ થઈ શકે છે. તેમના આ નિવેદનથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
ઈરફાન અન્સારીના નિવેદન બાદ ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અન્સારીનો વીડિયો શેર કરીને તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. ભાજપના જણાવ્યા મુજબ, આ નિવેદન દેશમાં અરાજકતા ફેલાવવાની ચેતવણી સમાન છે. ભાજપે આ મામલે કેન્દ્ર સરકાર પાસે કોંગ્રેસી મંત્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.
એક તરફ કોંગ્રેસી મંત્રીના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે, તો બીજી તરફ ભાજપે તેને લોકશાહી વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાને લગતા ગંભીર મુદ્દા તરીકે રજૂ કર્યો છે. હવે આ નિવેદન અંગે કોંગ્રેસના અન્ય નેતાઓ અને કેન્દ્ર સરકાર તરફથી કેવો પ્રતિભાવ આવે છે તેના પર રાજકીય વર્તુળોની નજર છે.

