રાજપુરાના સરાઈ બંજારા નજીક ચાલુ ટ્રેનમાં આગ લાગતાં અફરાતફરી : ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા
Chandigarh, તા.૬
Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. રાજપુરા નજીક સરાઈ બંજારા વિસ્તારમાં ચાલુ ટ્રેનના ચાર કોચમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જીવ બચાવવા માટે કેટલાક મુસાફરો ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, કર્મભૂમિ એક્સપ્રેસ રાજપુરાના સરાઈ બંજારા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનના ચાર કોચમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કોચમાં ધુમાડો ફેલાતાં મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળવા દોડ્યા હતા.
આગની ગંભીરતા જોઈને કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે રેલવે પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધુમાડાના કારણે કેટલાક મુસાફરોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી હોવાના અહેવાલ છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરો દાઝ્યા કે ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાના અહેવાલ છે. તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ટ્રેનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા અને મુસાફરોની સલામતીને લઈને ફરી સવાલો ઊભા થયા છે.

