બંને સહકારી સંસ્થાઓમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજવાનું આયોજન હતું
Himatnagar, તા.૬
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકો સાથે સીધી રીતે સંકળાયેલી સાબર ડેરી તથા સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે. શુક્રવારે યોજાનારી બંને સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની આંતરિક જૂથબંધી, અસંતોષ અને સંભવિત હોર્સ ટ્રેડિંગની ચર્ચાઓને પગલે પ્રદેશ નેતાગીરીએ દરમિયાનગીરી કરતાં ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
બંને સહકારી સંસ્થાઓમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી ૬ નવેમ્બરના રોજ ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જોકે, સાબર ડેરીમાં વર્તમાન ચેરમેન શામળ પટેલ સામે ડિરેક્ટરોમાં ઊભા થયેલા અસંતોષ અને ચેરમેન પદ માટે ડો. વિપુલ પટેલને મળતા સમર્થનને પગલે રાજકીય સમીકરણો બદલાતાં ભાજપની નેતાગીતીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ખાસ કરીને મૂળ કોંગ્રેસી પૃષ્ઠભૂમિ ધરાવતા ડો. વિપુલ પટેલને મોટાભાગના ડિરેક્ટરોનું સમર્થન મળી રહ્યું હોવાની ચર્ચાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધાર્યો હતો. બીજી તરફ, બંને સંસ્થાઓમાં પદ મેળવવા માટે પડદા પાછળ સોદાબાજી અને હોર્સ ટ્રેડિંગ થવાની આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી હતી.
પરિસ્થિતિ વધુ વણસે નહીં તે હેતુથી ૪ નવેમ્બરની રાત્રે જ તમામ ડિરેક્ટરોને તાત્કાલિક ગાંધીનગર તેડાવવામાં આવ્યા હતા. ત્યાં પ્રદેશ સંગઠનના મહામંત્રી અને ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી સમક્ષ ડિરેક્ટરો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમની પાસેથી સમગ્ર પરિસ્થિતિ અંગે જવાબો મેળવવામાં આવ્યા હતા તેમજ પક્ષની આંતરિક જૂથબંધી અને અસંતોષ અંગે આકરી પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
ચૂંટણીના રાજકીય ગણિત ઉપરાંત ભ્રષ્ટાચાર, ભરતીના નામે લાખો રૂપિયાની ઉઘરાણી અને સોદાબાજી જેવા ગંભીર આક્ષેપો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. જોકે, આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
ઇડર માર્કેટયાર્ડમાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રદેશ સ્તરે સાવચેતીના પગલાં લેવામાં આવ્યાં હોવાનું મનાય છે. આખરે, બંને સંસ્થાઓની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે ચૂંટણીનો નવો કાર્યક્રમ ક્યારે જાહેર થાય છે અને સહકારી રાજકારણમાં આગળ કેવાં નવાં સમીકરણો રચાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

