તમિલનાડુ સરકારે બેકવર્ક મુસ્લિમને આપેલા અનામતને મદ્રાસ હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું
Chennai, તા.૨૭
ધર્મપરિવર્તન અને અનામત સંદર્ભે મદ્રાસ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિન્દુ ધર્મની પછાત, અતિ પછાત અથવા અનુસૂચિત જાતિમાંથી ઈસ્લામ સ્વીકારના લોકોને બેકવર્ક ક્લાસ મુસ્લિમનો દરજ્જો અને અનામત આપવાના તમિલનાડુ સરકારના આદેશને હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યો છે. જસ્ટિસ જી આર સ્વામિનાથન અને જસ્ટિસ પી બી બાલાજીની બેન્ચે ચુકાદામાં ઠરાવ્યું હતું કે, ઈસ્લામ સ્વીકાર્યા પછી કોઈ પણ વ્યક્તિ માત્ર મુસ્લિમ રહે છે. તે માત્ર એક મુસલમાન હોય છે અને બેકવર્ક ક્લાસ મુસ્લિમના દરજ્જા કે અનામત માટે ક્યારેય દાવો કરી શકે નહીં. થૂથુકુડી જિલ્લાના સમીર અહેમદે કરેલી અરજી સંદર્ભે હાઈકોર્ટે ઉક્ત ચુકાદો આપ્યો હતો. કેસની વિગતો મુજબ, સમીરનું નામ અગાઉ પરમશિવમ હતું અને તેનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. વર્ષ ૨૦૧૫માં તેણે ઈસ્લામ ધર્મ સ્વીકારને પોતાનું નામ સમીર અહેમદ રાખ્યુ હતું અને મુસ્લિમ રીત-રિવાજો મુજબ નિકાહ કર્યા હતા. ધર્મપરિવર્તન પછી સમીરે મામલતદાર સમક્ષ મુસ્લિમ લેબ્બાઈ જાતિનું કમ્યુનિટી સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ જાતિને તમિલનાડુમાં પછાત વર્ગના મુસ્લિમનો દરજ્જો મળેલો છે. મામલતદારે સમીરની અરજી ફગાવી દેતાં તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં સમીરે તમિલનાડુ સરકારે ૯ માર્ચ ૨૦૨૪ના રોજ આપેલા હુકમનો સંદર્ભ આપ્યો હતો. જેમાં કન્વર્ટેડ મુસ્લિમોને અનામત આપવાની જોગવાઈ હતી. તમિલનાડુ સરકારે દલીલ કરી હતી કે, ધર્માંતરણ કરનાર વ્યક્તિ પોતાની જૂની અનામત કેટેગરીનો લાભ લઈ શકે તે માટે આ જોગવાઈ લાગુ કરાઈ છે. હાઈકોર્ટે તમિલનાડુ સરકારના હુકમને અયોગ્ય ઠેરવતા નોંધ્યું હતું કે, જન્મથી જ સમાજ નક્કી થતો હોય તેવા ઘણાં સમાજો મુસ્લિમોમાં છે. હિન્દુ જાતિઓની જેમ જ આવા સમાજ હોય છે, જ્યાં જન્મથી જાતિ નક્કી થાય છે. જન્મથી કોઈ વ્યક્તિ રાઉથર, મરક્કયાર કે દખ્ખની મુસ્લિમ હોઈ શકે છે. જો કે કોઈ વ્યક્તિને રાઉથર મુસ્લિમમાં બદલીશકાય નહીં. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, ખ્રિસ્તિ મિશનરીઓ અને ઈસ્લામિક ઉપદેશકો સદીઓથી પ્રચાર કરી રહ્યા છે કે તેમના ધર્મમાં સામાજિક સમાનતા છે. જાતિ વ્યવસ્થા હિન્દુ ધર્મમાં છે. ધર્મપરિવર્તન માટે આ પ્રકારના વલણને અપનાવ્યા પછી ઈસ્લામમાં પણ ઊંચ-નીચ હોવાનો દાવો કરવો અયોગ્ય છે. અલ્લાહની નજરમાં બધા સમાન છે. તેથી રાજ્ય સરકાર વિભિન્ન જાતિના કન્વર્ટેડ મુસ્લિમોને અનામત આપી શકે નહીં.

