Surendranagar, તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી-2026 મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાનની ગુપ્તતા જળવાય અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકી દ્વારા મતદાનના દિવસે મતદાન બુથની આસપાસ કેટલાંક ઈલેક્ટ્રોનિક ઉપકરણો-સાધનો લઈ જવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, આગામી તા. 26/04/2026ના મતદાનના દિવસે કોઈપણ વ્યક્તિ મતદાન મથક કે તેની આસપાસના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, બ્લુટુથ, પેન કેમેરા કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તેવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરી શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
આ હુકમમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટણી કામગીરી માટે અધિકૃત કરવામાં આવેલા સ્ટાફને મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામું તા. 28/04/2026 સુધી અમલી રહેશે. જો કોઈપણ વ્યક્તિ આ સરકારી આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે.

