New Delhi તા.31
સોશ્યલ મીડિયા સહિતના માધ્યમોમાં હવે યુ-ટ્યુબ, એક્સ કે અન્ય પ્લેટફોર્મ પર પોતાના કન્ટેન પોસ્ટ કરનાર યુ-ટ્યુબર કે ઇન્ફ્લુએન્સરની પોસ્ટને પણ હવે ઓનલાઇન સમાચાર સંબંધી કન્ટેન્ટ તરીકે ગણી લેવામાં આવશે અને તેની સાથે સમાચાર કન્ટેનને જે નિયમો લાગુ પડે છે તે આ પ્રકારે યુ-ટ્યુબર કે અન્ય ઇન્ફ્લુએન્સરને પણ લાગુ થશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસાર તથા આઇટી મંત્રાલય દ્વારા આ અંગે નિયમોમાં સંશોધન કરીને સોશ્યલ મીડિયા પર ન્યુઝ કન્ટેન્ટ શેર કરવા સંબંધી નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને આ પ્રકારે નોન પબ્લીસર એટલે કે જે મુળભૂત રીતે તે ન્યુઝના પ્રકાશન ન કરતાં હોય પરંતુ તે શેર કરતાં હોય એટલે કે આગળ ધપાવતા હોય તો તેને પણ મુળ પ્રકાશકના નિયમો જ લાગુ પડશે.
જે રીતે સોશ્યલ મીડિયામાં અનેક પ્રકારના સમાચાર અને અન્ય કન્ટેન્ટ વાઇરલ કરવામાં આવે છે અને તેને કારણે જે કાંઇ નકારાત્મક અસર ઉભી થાય છે તેને ડામવા માટે સરકારે આ નિયમનો પ્રસ્તાવ કર્યો છે.
જેમાં પોતે રજીસ્ટર પબ્લીસર એટલે કે માન્ય પ્રકાશક ન હોય પરંતુ ફક્ત સોશ્યલ મીડિયાના ઉપયોગથી આ પ્રકારની પોસ્ટ કે કરન્ટ અફેર્સ આગળ ધપાવતા હોય તો તે પણ આ પ્રકારે ઓરીજનલ પ્રકાશકની વ્યાખ્યામાં આવી જશે. આ પ્રકારની જોગવાઇમાં યુઝર્સ દ્વારા અપલોડ કરાતી સુધારા સાથેની કે પોતે સંગ્રહ કરેલી પોસ્ટને પણ લાગુ થશે. મુળ પબ્લીસર ન હોય તો પણ તે આ કાનુન હેઠળ આવી જશે.
ખાસ કરીને સરકાર સોશ્યલ મીડિયામાં જે પ્રકારે સામગ્રી વાયરલ થાય છે તેમાં બ્રેક મારવા માટે આ પ્રકારનો કાનુન લાવી રહી છે અને તેની સાથે મુળ પ્રકાશકના ડેટા પણ સુરક્ષીત રહે પણ નિશ્ચિત કરી રહી છે.

