Bhavnagar,ત.૨૯
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આડા સંબંધની શંકામાં પરિણીતાના પતિએ યુવક પર જાનલેવા હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ, ગઢડા તાલુકાના ભીમદાડ ગામે રહેતા દિનેશભાઈ લાખાભાઈ સાગઠીયાને એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. આ પરિણીતા દિનેશભાઈને મળતી હોવાની જાણ તુરખા ગામે રહેતા તેના પતિ છનાભાઈ પરમારને થઈ ગઈ હતી. પત્નીના આડા સંબંધની શંકા રાખીને ક્રોધે ભરાયેલા પતિ છનાભાઈએ દિનેશભાઈનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન દિનેશભાઈ સાગઠીયા જ્યારે ઉગામેડી ગામે પહોંચ્યા ત્યારે છનાભાઈ પરમારે તેમને ઘેરી લીધા હતા. આ સમયે આવેશમાં આવીને છનાભાઈએ તીક્ષ્ણ છરી વડે દિનેશભાઈ પર તાબડતોબ હુમલો કરી દીધો હતો. છરીના ઊંડા ઘા વાગવાના કારણે દિનેશભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી છનાભાઈએ પોતાની પત્ની પર પણ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
બનાવની જાણ થતાં જ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી એલસીબી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી હતી. પોલીસે ટૂંક સમયમાં જ મુખ્ય આરોપી છનાભાઈ પરમારની અટકાયત કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

