New Delhi, તા. 14
મધ્ય પ્રદેશનાં ધારમાં આવેલાં ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાલા સંકુલને લઈને સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે એક મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે.
કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને એવી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે કે, જેથી બંને પક્ષોને કોઈ મુશ્કેલી ન પડે અને મુસ્લિમ સમુદાય પહેલાની જેમ ત્યાં નમાઝ અદા કરી શકે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ કેસનાં છેલ્લાં નિકાલ સુધી વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાનો છે.
આ વચગાળાની વ્યવસ્થા હેઠળ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ભોજશાલા સંકુલની બિલકુલ અડીને આવેલી એક ખુલ્લી જગ્યા મુસ્લિમ પક્ષને શુક્રવારની નમાઝ પઢવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે.
જો કે, કોર્ટે ભારપૂર્વક કહ્યું કે આ કેવળ એક કામચલાઉ વ્યવસ્થા છે, અને આનાથી ભવિષ્યમાં કોઈ પણ પક્ષનાં કાયદેસરનાં દાવાઓ પર આખરી નિર્ણય ગણવામાં આવશે નહીં. હકીકતમાં, હિન્દુ પક્ષ આને મા સરસ્વતીનું પ્રાચીન મંદિર માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ આને કમાલ મૌલા મસ્જિદ ગણાવી રહ્યો છે અને તેમણે હાઈકોર્ટનાં તાજેતરનાં એક આદેશને સુપ્રીમમાં પડકાર્યો છે.
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષનાં વરિષ્ઠ વકીલ ડો. અભિષેક મનુ સિંઘવીએ મહાત્મા ગાંધીના પ્રખ્યાત કથનને ટાંકીને દલીલ કરી હતી કે, ‘આંખના બદલે આંખની નીતિ અપનાવવાથી આખી દુનિયા આંધળી થઈ જશે’ અને માત્ર ઈતિહાસનાં આધારે વર્તમાન વ્યવસ્થા બદલી શકાય નહીં.
બંને પક્ષોની દલીલો સાંભળ્યાં બાદ સુપ્રીમ કોર્ટે વકીલોને આ ગંભીર મુદ્દે શબ્દોની પસંદગી સાવચેતીપૂર્વક કરવાની સલાહ આપી હતી અને સંકેત આપ્યાં હતાં કે આ સંવેદનશીલ કેસની આગામી સુનાવણી જરૂર પડ્યે આખો દિવસ ચલાવવામાં આવશે.

