ચિત્તરંજન છાટબાર
Babra તા.૨૯ઃ
બાબરા શહેર અને તાલુકાની અતિ મહત્વની બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ યોજાયા બાદ આજે તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલા પરિણામોમાં ખેડૂત અને વેપારીઓએ ભાજપ પ્રેરિત ઉમેદવારોની તરફેણમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.
ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૮ અને વેપારી વિભાગની ૨ બેઠકો સહિત કુલ ૧૦ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. જ્યારે એક અપક્ષ ઉમેદવારે પણ ભાજપ પ્રેરિત ઉમેદવારોને ટેકો જાહેર કરતાં કુલ ૧૧ બેઠકો સાથે યાર્ડમાં ભાજપ પ્રેરિત જૂથનો દબદબો જોવા મળ્યો હતો.
પરિણામ જાહેર થતાં જ બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભૂતૈયા સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ બાબરા યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને તમામ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, બાબરા માર્કેટિંગ યાર્ડને જિલ્લાની હરોળમાં મૂકી શકાય તેવો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. તેમણે ખેડૂતો, વેપારીઓ, મંડળીઓના પ્રમુખો તેમજ મતદારોનો ભાજપ પ્રેરિત ઉમેદવારોને સમર્થન અને મતદાન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ચૂંટણીમાં અનેક રાજકીય ગણિત અને જોડતોડ વચ્ચે પણ ભાજપ પ્રેરિત ઉમેદવારોને ખેડૂતો અને વેપારીઓનું સમર્થન મળ્યું હતું. ખાસ કરીને ભાજપ દ્વારા મેન્ડેટ ન મળતા નારાજ થઈ ચૂંટણી મેદાનમાં ઉતરેલા અંદાજે ૬ જેટલા પૂર્વ ડિરેક્ટરોને પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વેપારી વિભાગના ૧ અને ખેડૂત વિભાગના ૫ પૂર્વ ડિરેક્ટરોનો સમાવેશ થાય છે. યાર્ડના વર્તમાન ડિરેક્ટરને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારે રાજકીય ખેંચતાણ અને પ્રેશર વચ્ચે પણ મંડળીઓના પ્રમુખો તેમજ ખેડૂતો અને વેપારીઓએ ભાજપ પ્રેરિત ઉમેદવારોની તરફેણમાં મતદાન કરતાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલ ને સ્પષ્ટ બહુમતી મળી છે.

