દરેક વકીલને એક જ બારમાં મતાધિકાર, ફોર્મ ભરવું ફરજિયાત, તા.૧૦ ઓક્ટોબર સુધીમાં પ્રમાણિત યાદી મોકલવા આદેશ
Rajkot તા.૨૯ઃ
Rajkot સહિત રાજ્યના તમામ બાર એસોસિયેશનની ડિસેમ્બરમાં એક સાથે યોજનારી ચૂંટણીઓ ’વન બાર વન વોટ’ હેઠળ યોજવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નોંધાયેલા તમામ વકીલ સભ્યોની યાદી મોકલવા રાજકોટ સહિત તમામ બાર એસોસિએશનમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે.બાર કાઉન્સિલે જણાવ્યું છે કે એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧ હેઠળ ઘડાયેલા ગુજરાત બાર એસોસિએશનના નિયમો, ૨૦૧૫ મુજબ પદ્ધતિસર અને શિસ્તબદ્ધ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. નિયમ મુજબ દરેક ધારાશાસ્ત્રી વન બાર વન વોટ હેઠળ કોઈપણ એક જ બાર એસોસિએશનમાં જ મતાધિકાર ધરાવી શકે છે અને તે માટે ફરજિયાતપણે ફોર્મ ભરીને પોતાના બાર એસોસિએશન અથવા બાર કાઉન્સિલની કચેરીમાં મોકલવાનું હોય છે.
પરિપત્રમાં તમામ પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીઓને સૂચના અપાઈ છે કે વન બાર વન વોટ હેઠળ નોંધાયેલા તમામ સભ્યોની નામ, સનદ નંબર, ફોન નંબર સાથેની ચોક્કસ યાદી હોદ્દેદારોના સહી-સિક્કા સાથે પ્રમાણિત કરી તા.૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં કાઉન્સિલની કચેરીએ મોકલવી. જે સભ્યોએ ફોર્મ ભર્યા ન હોય કે નવા નોંધાયા હોય તેમના ફોર્મ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસના પુરાવા સાથે અલગ યાદી મોકલવા અને અવસાન પામેલા સભ્યોની માહિતી પુરાવા સાથે આપવા પણ જણાવાયું છે. ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

