Chhibramau, તા.૯
ઉત્તરપ્રદેશમાં દિવાળીની રાત્રે ગોળીબારની સનસનાટીભરી ઘટના સામે આવી છે. છિબરામઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાજપનાં ધારાસભ્ય અર્ચના પાંડેના પારિવારિક ભાઈ અને વ્યવસાયે વકીલ એવા અનુજ કુમાર ચતુર્વેદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ચૂંટણીની જૂની અદાવતને પગલે આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, દિવાળીની રાત્રે અનુજ કુમાર ચતુર્વેદી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોંગ્રેસના જિલ્લા મહાસચિવ અમૂલ દીક્ષિત પર ગોળીબાર કરવાનો આરોપ લાગ્યો છે. આરોપીએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ગોળી વાગતાં અનુજ કુમારનું મોત થયું હતું.
ઘટના બાદ મુખ્ય આરોપી અમૂલ દીક્ષિત ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે પાંચ અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાના સંજોગો, ચૂંટણી અદાવત અને હત્યા પાછળનાં સંભવિત કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ હત્યાની ઘટનાથી વિસ્તારમાં શોક અને તણાવનો માહોલ સર્જાયો છે. પોલીસે આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ બનાવી છે.

