New Delhi,તા.14
સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટી હલચલ સામે આવી છે. જ્યાં દિલ્હી હાઈકોર્ટ, આઈજીઆઈ એરપોર્ટ (IGI Airport) અને ઝંડેવાલાન સહિત રાજધાનીની કુલ છ જગ્યાઓ પર બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટને ઈ-મેલના માધ્યમથી આ ધમકી મળી હતી, ત્યારબાદ તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા હાઈકોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ તમામ સ્થળો પર સંબંધિત સુરક્ષા ટીમો અને ફાયરની ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીની તપાસમાં કોઈપણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.દિલ્હી હાઈકોર્ટને ધમકી મળ્યા બાદ રજિસ્ટ્રાર જનરલ દિલ્હી પોલીસના સતત સંપર્કમાં છે અને સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને ધ્યાનમાં રાખીને દિલ્હી સહિત દેશભરમાં પહેલેથી જ સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે. તમામ વ્યૂહાત્મક સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને આવવા-જવાના માર્ગો પર પોલીસકર્મીઓની વિશેષ તૈનાતી કરાઈ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરવાના છે.

