(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૭
Jamnagarના મસીતીયા વિસ્તારના રહેવાસી અને જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કાસમભાઈ નુરમામદભાઈ ખફી (ઉં.વ. ૫૩) એ પોતાના પૂર્વ ભાગીદાર અશોકભાઈ દેવસીભાઈ અકબરી અને અન્ય સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ દરમિયાન કાસમભાઈ, તેમના પુત્ર જાવેદભાઈ તથા અન્ય ભાગીદારો સાથે મળીને જમીન ખરીદી, બિનખેતી કરાવી અને પ્લોટિંગ કરીને વેચાણનો વ્યવસાય કરતા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે ભાગીદારીના વ્યવહારો દરમિયાન ગ્રાહકો પાસેથી મળતી રોકડ રકમનો વહીવટ અશોકભાઈ અકબરી, નીલેશભાઈ અકબરી અને પલકભાઈ અકબરી સંભાળતા હતા.
કાસમભાઈનો આક્ષેપ છે કે જમીનના હપ્તા ચૂકવવાનો સમય આવતા ભાગીદારીની મોટી રકમનો હિસાબ આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ જાણવા મળ્યું કે અશોકભાઈ અકબરી એમસીએક્સના સટ્ટામાં આશરે રૂપિયા૧૪.૫૦ કરોડ હારી ગયા હતા, અને ભાગીદારીની જમીનોની મૂળ ફાઈલો ગીરવે મૂકી દીધી હતી. બાદમાં અન્ય ભાગીદારોએ રકમ ભેગી કરીને દસ્તાવેજો છોડાવ્યા હતા.
આ મામલે ભાગીદારો વચ્ચે મતભેદ સર્જાતા બંને પક્ષો વચ્ચે વિવાદ વધ્યો હતો અને હાલ ભાગીદારીની મિલકતોને લઈને સિવિલ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે તા. ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તેમના સગા અલ્તાફભાઈ પતાણીએ અશોકભાઈ અકબરી દ્વારા કરવામાં આવેલી વાતચીતનો ઓડિયો સંભળાવ્યો હતો. આ ઓડિયોમાં અશોકભાઈએ કાસમભાઈને મારી નાખવાની ધમકીભરી વાતો કરી હોવાનો આરોપ છે. ઓડિયોમાં કથિત રીતે ‘‘કાસમનું કામ પૂરું ન થાય તો છેલ્લે તેને મારી નાખીશ‘‘ જેવા શબ્દો બોલાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આથી કાસમભાઈએ અશોકભાઈ અકબરી તથા તપાસ દરમિયાન નામ ખુલતા અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે.આ બનાવે ભારે ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અશોક અકબરી સામે તાજેતરમાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં તેમજ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગેના પણ બે અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે.

