Jamnagar,તા.૧૬
Jamnagarમાં સરકારી એસટી ભરતી પ્રક્રિયા અંતર્ગત ફરજિયાત કરાયેલી ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ દરમિયાન ભારે હોબાળો અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ટ્રેનિંગ માટે એડમિશન મેળવવા ઉમટેલા સેંકડો વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા રોષ ફાટી નીકળ્યો હતો, જેને પગલે રેડ ક્રોસ સોસાયટીની ઓફિસમાં જ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબૂ બહાર જતાં આખરે પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી.
ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમની ભરતી માટે ઉમેદવારો માટે ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર)ની ટ્રેનિંગ લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ ટ્રેનિંગ આપવાની કામગીરી રેડ ક્રોસ સોસાયટીને સોંપવામાં આવી છે. જામનગર સ્થિત રેડ ક્રોસ સોસાયટીની ઓફિસે ટ્રેનિંગના ફોર્મ ભરવા અને એડમિશન મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. જો કે, સંસ્થા પાસે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે એડમિશન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને જોતજોતામાં ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, “અમે અહીં લાઈનમાં ઊભા રહીને નામ નોંધાવ્યા હતા. તેમ છતાં આજે પણ અમારો વારો આવ્યો નથી. વહાલા-દવલાની નીતિ અપનાવીને પાછળથી આવેલા લોકોને પ્રવેશ આપી દેવાયો છે અને મહેનત કરતા વિદ્યાર્થીઓને ધક્કે ચડાવવામાં આવી રહ્યા છે.”ટ્રેનિંગ સર્ટિફિકેટ વિના ભરતી પ્રક્રિયામાંથી બહાર થઈ જવાની ભીતિને કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર મામલે જામનગર રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અવિનાશ ભટ્ટે જણાવ્યું હતું કે, અચાનક જ અપેક્ષા કરતાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડતાં આ અવ્યવસ્થા સર્જાઈ હતી. સંસ્થાની ક્ષમતા કરતાં વધુ ભીડ થવાને કારણે પ્રક્રિયા ધીમી પડી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને સંસ્થાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટરને વાકેફ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસે આવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓમાં હજુ પણ ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

