Ahmedabad,તા.21
અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (21મી એપ્રિલ) વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.ગત શનિવારે (18મી એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પંથકમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકી વાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ચારથી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે હવે હાઇવે પર આવેલા ગેરકાયદે દબાણો, દુકાનો અને લારી-ગલ્લાઓ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે 300 જેટલા પોલીસ જવાનોનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નગરપાલિકા અને આરએનબી (માર્ગ અને મકાન વિભાગ) ના 50થી વધુ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા.
બીજી તરફ, મુખ્ય આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી કોર્ટ પરિસરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.પોલીસ દ્વારા નામદાર કોર્ટ પાસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખીને રિઝવાન અને સમીરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી બે દિવસ સુધી પોલીસ આ આરોપીઓની સઘન પૂછપરછ કરશે. આ સમયગાળા દરમિયાન પોલીસ તપાસમાં અન્ય કયા ઘટસ્ફોટ થાય છે અને હત્યા પાછળનું મુખ્ય ષડયંત્ર શું હતું, તેના પર સૌની નજર રહેશે.

