New Delhi તા,8
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ તરફ ભારતની સફર વધુ મુશ્કેલ બની રહી છે, જ્યાં દરેક સીરીઝ અત્યંત મહત્વપૂર્ણ છે. તાજેતરમાં શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટ જીતવામાં નિષ્ફળ રહ્યાં બાદ ભારત માટે આ કાર્ય વધુ પડકારજનક બન્યું છે. હવે ભારતનો આગામી પડકાર ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવાનો છે, જ્યાં ભારતીય ટીમ છેલ્લાં દોઢ દાયકાથી (15 વર્ષથી) જીતી શકી નથી.
ન્યૂઝીલેન્ડના મુખ્ય ડાબોડી સ્પિનર મિચેલ સેન્ટનરે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળનો ભારતનો ઝડપી બોલિંગ એટેક સીરીઝના પરિણામમાં મોટી ભૂમિકા ભજવશે.
ન્યૂઝીલેન્ડમાં પરિર્સ્થતિઓને ઝડપથી સમજવી એ સૌથી મહત્વની બાબત છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ત્યાંની પીચો ફેબ્રુઆરી-માર્ચ કરતાં અલગ વર્તન કરી શકે છે, અને સીઝનની શરૂઆતમાં દડો થોડો વધુ સ્વિંગ થઈ શકે છે.
બુમરાહ વિશે વાત કરતાં સેન્ટનરે કહ્યું કે, બુમરાહનું આક્રમક રીતે પેસ એટેકનું નેતૃત્વ કરવું અને દડાને સ્વિંગ કરવાની તેની ક્ષમતા સીરીઝ માટે સૌથી મહત્વની ચાવી સાબિત થશે.
સિરાજ પણ લાંબા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને પ્રસિદ્ધ ક્રિષ્ના પણ સારી બોલિંગ કરી રહ્યો છે. ભારતીય ફાસ્ટ બોલિંગ લાઇન-અપમાં ઘણું વૈવિધ્ય છે, જેની કોઈપણ ટીમને સૌથી વધુ જરૂર હોય છે.
માનવ સુથાર વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું કે, પોતાના ડેબ્યૂ પછીથી તેણે ખૂબ જ પ્રભાવિત કર્યા છે. તે સ્ટમ્પની નજીક આવીને બોલને સારો શેપ અને ઓવરસ્પિન આપે છે. ન્યૂઝીલેન્ડની પીચો પર જ્યાં ઘાસ હોય અથવા બાઉન્સ મળતો હોય ત્યાં સ્પિનરની ભૂમિકા મહત્વની રહે છે. ભારત પાસે જાડેજા અને સુથારના રૂપમાં ખૂબ જ સારા વિકલ્પો ઉપલબ્ધ છે.
તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતનાં સંઘર્ષ અંગે સેન્ટનરે જણાવ્યું કે, અન્ય દેશોમાં જઈને રમવું હંમેશા પડકારજનક હોય છે. ટીમોએ નવી પરિસ્થિતિઓ સાથે ઝડપથી અનુકૂલન સાધવું પડે છે. જોકે, ભારતીય ટીમ પાસે દરેક વિભાગમાં મજબૂત ખેલાડીઓ હાજર છે અને તેમની તૈયારીઓ પૂર્ણ છે.
ETPL (યુરોપિયન T20 પ્રીમિયર લીગ) વિશે વાત કરતાં સેન્ટનરે કહ્યું કે, સ્કોટિશ, આઇરિશ અને હોલેન્ડના ખેલાડીઓ માટે આ એક શ્રેષ્ઠ મંચ છે. આનાથી તેમને સારા ખેલાડીઓ સામે રમવાનો અનુભવ અને તક મળે છે. આ લીગમાં કેટલાક વિદેશી ખેલાડીઓના ઉમેરાવાથી ટુર્નામેન્ટનું સ્તર ખૂબ જ મજબૂત બન્યું છે.

