યુવાન કહેવાથી વિનીત ભટ્ટએ જે કંપનીમાં રૂ. ૧૫ લાખનું રોકાણ કર્યું તેનો માલિક નાણાં લઈને ફરાર થઇ ગયો’તો હવે પૈસા તારે આપવા પડશે કહી ફટકાર્યો, ગુનો નોંધાયો
Rajkot તા.૧૪ઃ
શહેરના ઢેબર રોડ પર રહેતા જમીન-મકાનના ધંધાર્થીને રાત્રિના સમયે મળવા બોલાવી મિત્રએ માર માર્યો હતો. યુવાનના કહેવાથી વિનીત ભટ્ટ નામના શખ્સે ક્રાઉડ પાવર નામની પેઢીમાં રૂ. ૧૫ લાખનું રોકાણ કર્યું હતું પણ કંપનીનો માલીક રોકાણના પૈસા લઈને ભાગી જતાં વિનીતએ યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરી યુવાનને મળવા બોલાવી ફડાકા ઝીંકી દીધી હતા. શહેરના ઢેબર રોડ પર લાલ બહાદુર સોસાયટી શેરી નં.-૨ બ્લોક નં. ૨૭/૨ માં રહેતા ૩૦ વર્ષીય જમીન મકાનના ધંધાર્થી ક્રિપાલસિંહ મનહરસિંહ જાડેજાએ આરોપી તરીકે વિનીત વિનાયકભાઈ ભટ્ટ (ઉવ ૩૫ રહે. કાલાવડ રોડ, રાજકોટ)નું નામ આપી જણાવ્યુ હતું કે, મારા મિત્ર વિનિત વિનાયકભાઈ ભટ્ટને ક્રાઉડ પાવર કંપનીમાં ઇન્વેસ્ટ કરવા સલાહ આપેલ હતી. જેથી વિનિત ભટ્ટે કંપનીમાં ૧૫ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલ હતું. બાદ ક્રાઉડ કંપનીની માલિક કુણાલ પાટડીયા કંપનીમાં ઇન્વેસ્ટ કરેલ તમામના રૂપિયા લઇ દુબઈ ભાગી ગયેલ હતો. જેથી વિનિત ભટ્ટે મને કહેલ કે, મેં તારા કહેવાથી ઇન્વેસ્ટમેન્ટ કરેલ હતું, જેથી તું મારા પંદર લાખ પરત આ૫. જેથી મેં વિનિતને જણાવેલ કે, હાલ મારી પાસે રૂપિયા નથી, મારી પાસે જ્યારે રૂપિયાની સગવડ થશે તેમ ધીરે ધીરે તારા રૂપિયા પરત આપી દઈશ.
છેલ્લા ચાર વર્ષથી વિનિત અવારનવાર મારી પાસેથી રૂપિયાની માંગણી કરતો હોય ગઇ તા-૧૨/૦૯/૨૦૨૬ ના રાત્રિના પોણા બાર વાગ્યે વિનિતનો મને ફોન આવેલ અને મને ભક્તિનગર સર્કલ ખાતે મળવા બોલાવેલ હતો. જેથી હું દસેક મિનિટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલ અંજુ પાન પાસે પહેલાથી બેઠેલ વિનીતભાઈ પાસે ગયેલ હતો. મે પૂછેલ કે મને કેમ મળવા માટે બોલાવ્યો? દરમિયાન વિનિત ઉગ્ર થઈ ગયેલ અને તારે હવે રૂપિયા પરત આપવાના છે કે નહીં તેમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગેલ હતો. તેણે ઉગ્ર થઇ મને ગાળો આપી બે ફડાકા મારી દીધેલ હતા. પોલીસ ફરિયાદ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ તેમ કહી મને કહેલ કે ચાલ હવે મને ભક્તિનગર સર્કલ ખાતે મૂકી જા. બાદ મે વિનિતને ભક્તિ નગર સર્કલ ખાતે મારા સ્કૂટર ઉપરથી ઉતારેલ હતો. જે બાદ હું પણ ઘરે જઈને સુઈ ગયેલ હતો.

