10 વર્ષની બાળકીનું રહસ્યમય મોત અને પિતાના ગંભીર આક્ષેપો બાદ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું
Jasdan, તા.27
જસદણની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 10 વર્ષીય વિધાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ચકચાર વ્યાપી હતી. શાળા અને હોસ્ટેલના સંચાલકોના લીધે જ પુત્રીનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો.શાળાની પ્રશાસનની ગુનાહિત બેદરકારી સામે આવતા જસદણ પોલીસે આલ્ફા સ્કૂલના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમો હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા હતા.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામે રહેતા અને બેંકમાં નોકરી કરતા રમેશભાઈ બલદાણિયાએ પોતાની ૧૦ વર્ષીય પુત્રી આયુષીને ગત ૨૭ એપ્રિલે જસદણની આલ્ફા સ્કૂલમાં અભ્યાસ માટે મોકલી હતી. આયુષીને આઠેક દિવસ પહેલા અછબડા નીકળ્યા હતા અને તાવ રહેતો હતો, જેની સ્થાનિક સ્તરે દવા પણ લેવાઈ હતી. બુધવારે બપોરે ૧:૩૦ વાગ્યે આયુષીએ શિક્ષકને પગમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરતાં તેને તાત્કાલિક જસદણની કોટડિયા હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં સ્થિતિ ગંભીર જણાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ ખસેડવામાં આવી હતી. રાજકોટમાં બે થી ત્રણ ખાનગી હોસ્પિટલો બાદ બાળકીને સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ સાંજે ૫:૦૦ વાગ્યે તેને મૃત જાહેર કરી હતી.
સમગ્ર મામલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે શાળા સંચાલકોની બેદરકારીના કારણે જ તેમની દીકરીએ જીવ ગુમાવ્યો છે. જેથી આ મામલે સઘન તપાસ થાય અને ફોરેન્સિક પીએમ દ્વારા મોતનું સાચું કારણ બહાર આવે તેવી માંગણી કરવામાં આવી હતી. બાળકીના પિતાના જણાવ્યા મુજબ, હોસ્ટેલ પ્રશાસન દ્વારા દીકરીની બીમારી અંગે તેમને સમયસર કોઈ જાણ કરવામાં આવી ન હતી. વધુમાં જણાવ્યું હતું કે બાળકીને સ્કૂલના નિયમોનું બહાનું ધરીને સંચાલકોએ બે મહિના સુધી પરિવારની દીકરી સાથે ફોન પર વાત કે મુલાકાત થવા દીધી ન હતી. આગામી ૨૭ જૂનના રોજ બે મહિના પૂર્ણ થતા હોવાથી પરિવાર દીકરીને મળવા જવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે પહેલાં જ બુધવારે દીકરીના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
હવે મામલામાં પોલીસે પરિવારના આક્ષેપ અને પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે જસદણની આલ્ફા સ્કૂલના ટ્રસ્ટી જયસુખ સંખારવા અને હિરેન સંખારવા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને ટ્રસ્ટીઓને સકંજામાં લઈ લેવાયા છે.

