Amreli ,તા.27
જિલ્લાના સાવરકુંડલા પંથક અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે (૨૬ જૂન) બપોર પછી મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી દીધી છે. માત્ર એક જ દિવસના ટૂંકા વિરામ બાદ ફરી એકવાર વરસાદનું જોરદાર પુનરાગમન થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અસહ્ય બફારાથી લોકોને મોટી રાહત મળી છે.સાવરકુંડલા તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં બપોર બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને દોલતી, મેરીયાણા, ચીખલી અને ગોરડકા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ સિવાયના અન્ય આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
ચોમાસાની સીઝનમાં એક દિવસના વિરામ બાદ ફરીથી અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી રાઉન્ડ શરૂ થતાં જગતનો તાત હરખાયો છે. આ વરસાદ ખેતીના પાક માટે ખૂબ જ અમૃત સમાન ગણાતો હોવાથી સાવરકુંડલા પંથકના ખેડૂતોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

