Surendranagar, તા.27
ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એક યાદીમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લા અને તેની આસપાસના સમગ્ર વેપાર-ઉદ્યોગ જગતનુ પ્રતિનિધિત્વ કરતી ૬૪ વર્ષ જૂની અગ્રણી સંસ્થા ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા થાનગઢ વિસ્તારના સીરામીક ઉદ્યોગકારોની વ્યાજબી અને ખૂબ જ ગંભીર સમસ્યા અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ખાણ અને ખનિજ વિભાગને અક વિગતવાર પત્ર પાઠવીને તાકીદની રજૂઆત કરવામાં આવી છે.
પાંચાળ સીરામીક એસો. વિકાસ ટ્રસ્ટ, થાનગઢ અને થાનગઢના સીરામીક ઉદ્યોગકારોની રજુઆતના સંદર્ભે થાનગઢ વિસ્તાર પોતાની કુદરતી ખનિજ સંપત્તિ (જેવી કે ફાયર કલે, સિલિકા, સ્ટોન વગેરે)ને કારણે સમગ્ર દેશમાં સીરામીક ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. વિવિધ માન્ય લેબોરેટરીઓએ અહીંની માટીને બેસ્ટ કલે ઓફ સીરામીક તરીકે પ્રમાણિત કરી છે, જેના કારણે થાનગઢ દેશનુ સૌથી મોટું સેનેટરીવેર ઉત્પાદન કેન્દ્ર બન્યું છે અને હજારો પરિવારોને રોજગારી પૂરી પાડે છે.

