Gandhinagar, તા.24
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતનો માહોલ બની ગયો છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલ પંપ ઉપર લોકોની લાઇનોના દ્રશ્યો છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યા છે. તે વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ફરી એક વખત લોકોને પેટ્રોલ પંપ ઉપર લાઇન ન લગાવવા અપીલ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક પરિસ્થિતિને કારણે હાલની સ્થિતિ સર્જાઇ છે .
અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર તેના પર પુરતા ગંભીરતાથી કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ઇંધણની તંગી એ અફવા છે અને તેનાથી ગેર માર્ગે દોરાવું નહીં. પેટ્રોલ અને ડીઝલમાં લાઇનો પર તેમણે જણાવ્યું કે બધાને બધુ મળી રહે તે વ્યવસ્થા ગોઠવાઇ છે. ગેસ કે પેટ્રોલ માટે ક્યાંય લાઇનમાં ઉભી રહેવાની જરુર નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના પર પુરતું ધ્યાન આપી રહી છે.
એ ઉલ્લેખનીય છે કે ગઇકાલે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળ જેવો પડકાર સર્જાઇ રહ્યો છે તે વિધાનો કર્યા હતા તે પછી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે લોકોએ પેટ્રોલ પંપ પર ભીડ લગાવી છે. ગઇકાલ સાંજથી આ પરિસ્થિતિ સર્જાઇ છે અને અનેક પેટ્રોલ પંપ પર મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો ખત્મ થઇ જતાં અને સપ્લાય બંધ કરી દેવાતા અફવાને વેગ મળ્યો હતો. આજે સવારે પણ રાજ્યના તમામ ભાગોમાં આ પરિસ્થિતિ યથાવત રહી છે.

