લદાખથી માત્ર ૨૪૫ કિ.મી દૂર આવેલા એરબેઝમાં સાત અને અરૂણાચલથી ૩૪૪ કિ.મી.ના અંતરે ચાર ફાઈટર જેટ દેખાયા
નવી દિલ્હી, તા.૨૮
ચીને ભારતની સરહદ નજીક આવેલા તેના અલગ અલગ બે એરબેઝમાં ૧૧ લડાકુ વિમાનો તૈનાત કર્યા હોવાનો દાવો મીડિયા અહેવાલોમાં થયો હતો. કમર્શિયલ સેટેલાઈટ ઈમેજમાં જોવા મળ્યું એ પ્રમાણે સાત લડાકુ વિમાનો લદાખ સરહદે અને ચાર વિમાનો અરૂણાચલ સરહદની પેલે પાર ગોઠવાયા છે. પાંચમી પેઢીના લડાકુ વિમાનો જે-૨૦ તૈનાત થતાં નિષ્ણાતોએ તેને ભારત માટે ચિંતાનો વિષય ગણાવ્યો છે.શિનજિયાંગ ઉઈધૂર પ્રાંતમાં આવેલા હોટન એરબેઝમાં ચીને સાત જે-૨૦ સ્ટીલ્થ ફાઈટર જેટ તૈનાત કર્યા છે. કમર્શિયલ સેટેલાઈટ ઈમેજ પ્રોવાઈડર્સની ઈમેજના આધારે મીડિયા અહેવાલોમાં આ દાવો થયો હતો. હોટન એરબેઝ ચીને લશ્કરી ઉપરાંત સિવિલ એરક્રાફ્ટ માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે બનાવ્યું છે. આ હોટન એરબેઝ લેહથી ૩૮૯ કિલોમીટર દૂર છે અને ભારતના એરફીલ્ડથી તેનું અંતર ૨૪૫ કિલોમીટર છે. ચીને હોટન એરબેઝમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં પાંચમી પેઢીના લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. અગાઉ ક્યારેય લડાકુ વિમાનોની તૈનાતીનો આંકડો છને પાર પહોંચ્યો ન હતો.એ જ રીતે અરૂણાચલ પ્રદેશના તવાંગથી ૩૪૪ કિલોમીટર દૂર આવેલા લ્હાસાના ડેમ્સૂંગ એરબેઝમાં જે-૨૦ પ્રકારના ચાર લડાકુ વિમાનો તૈનાત થયા છે. તિબેટના લ્હાસાથી હવાઈ માર્ગે અરૂણાચલ સુધી પહોંચ બનાવવાનું ચીન માટે ખૂબ સરળ છે. આ એરબેઝમાં પણ પહેલી વખત ચાર-ચાર લડાકુ વિમાનો જોવા મળ્યા છે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે સ્ટીલ્થ પ્રકારના આ વિમાનો ખૂબ જ ચુપકિદીથી તૈનાત થાય તે ખતરારૂપ છે. કારણ કે તેનાથી વિવાદિત વિસ્તારમાં ચીનનો દબદબો વધી શકે છે. સ્ટીલ્થ વિમાનોની રડાર સિગ્નેચર બહુ ઓછી હોય છે એટલે તેની સામે ભારતીય વાયુસેનાએ વધારે સજ્જતા રાખવી પડશે.ઉલ્લેખનીય છે કે ભારત પાસે અત્યારે પાંચમી જનરેશનના એકેય લડાકુ વિમાનો નથી. દેશનું પહેલી સ્ટેલ્થ વિમાન હજુ પ્રાયોગિક સ્તરે છે અને વાયુસેનામાં સામેલ થતાં કદાચ દશકો લાગી જશે. બીજી તરફ ચીન જે-૨૦ પ્રકારના વિમાનોનું જથ્થાબંધ પ્રોડક્શન કરે છે. વર્ષે ૧૨૦ વિમાનો બનતા હોવાનો અંદાજ છે.

