Rajkot,તા.૨૮
શહેરમાં મિત્રના મિત્રની બહેન સાથેના સંબંધની શંકા લોહિયાળ અંતમાં ફેરવાઈ હોવાનું સામે આવ્યું છે. શહેરના રૂખડીયા ફાટક વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક ઉમંગ મુખ્ય આરોપી નાઝીરની બહેન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતો. આ બાબતને લઈને મનદુઃખ રાખી નાઝીર દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને ચા પીવાના બહાને ઉમંગને બોલાવી મરણતોલ માર મારતા મામલો હત્યામાં પરિણમ્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર, ગઈકાલે ૨૭ જુલાઈના રોજ બપોરે રાજકોટ શહેરના રૂખડીયા ફાટક વિસ્તારમાં આવેલા ઉમંગ જાખેલિયાના ઘરે તેના જ મિત્ર નાઝીર ઉર્ફે ઘેટી અને તેના સાગરિતો પહોંચ્યા હતા અને તેઓ પરિવારને ચા પીવા જવાનું કહી ઉમંગને એક્ટિવા પર સાથે લઈ ગયા હતા. ત્યાર બાદ સાંજે આશરે પાંચ વાગ્યે ઉમંગને ગંભીર ઇજાઓ સાથે બેભાન હાલતમાં તેના વિસ્તાર નજીક મૂકી આ તમામ લોકો ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના શરીર પર ગંભીર મારપીટના નિશાન હોવાનું પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું છે.
આ મામલે મૃતક ઉમંગના પિતા રણજીત જાખેલિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે, મારા દીકરા ઉમંગને તેનો નાસિર નામનો મિત્ર બપોરે ૨.૩૦-૩ વાગ્યાના અરસામાં ઉંઘમાંથી ઉઠાડી ચા પીવાના બહાને લઈ ગયો હતો. જે બાદ નાસિર સાથે અન્ય એક શખ્સએ સાંથે ૪ વાગ્યાની આસપાર મારા દીકરોને અધમૂવી હાલતમાં ઘર પાસે છોડી દીધો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે. દીકરો ઘરેથી નિકળ્યો ત્યારે તેના ખિસ્સામાં ૫૦ હજાર રૂપિયા અને સોનાનો ચેન પણ હતો, જે પણ હાલ ગાયબ છે.હાલ મૃતકના પિતા રણજીત જાખેલિયાની ફરિયાદના આધારે પ્રદ્યુમનનગર પોલીસે બીએનએસની કલમ ૧૦૩(૧), ૬૧(૨) અને ૩(૫) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી, ગુલામ હુસૈન ઉર્ફે આસિફ કક્કલ અને સુજલ રામાવતની ધરપકડ કરી છે. જ્યારે ઘટનામાં સંડોવાયેલા એક સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ઉમંગ કલરકામ કરતો હતો. જ્યારે તેનો મિત્ર મુખ્ય આરોપી નાઝીર માછલી વેચવાનો વ્યવસાય કરતો હતો. અન્ય આરોપી આસિફ ઢોસાનો વ્યવસાય કરતો હતો અને સુજલ મજૂરીકામ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક ઉમંગને મુખ્ય આરોપી નાઝીરના પરિવારની યુવતી વચ્ચે સોશિયલ મીડિયા પર સંપર્ક હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દાને લઈને મનદુઃખ રાખી હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા છે. હાલ તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક ઉમંગ અને આરોપીઓ અગાઉથી મિત્રો હતા. મુખ્ય આરોપી નાઝીરના ભાઈ આસિફ સાથે મૃતકની ગાઢ મિત્રતા હોવાથી તેની આરોપીના ઘરે પણ અવરજવર હતી. તે દરમિયાન નાઝીરની બહેન સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક વિકસ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

