Junagadh,તા.૪
સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓને લઈને જુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સેન્સના રૂપે શરૂ કરી છે. જુનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જશવંતસિંહ ભટ્ટી, શહેનાઝબેન બાબીની હાજરીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં ગત ટર્મમાં ચૂંટણી વિજેતા ઉમેદવારોની ટિકિટ કન્ફર્મ હોવાનું હોવાનું નિરીક્ષક તરીકે આવેલા હીરાભાઈ જોટવાએ માધ્યમો સમક્ષ વાત કરતા જણાવ્યું હતું.
જુનાગઢ જિલ્લા પંચાયત જિલ્લાની ૯ તાલુકા પંચાયતની સાથે કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેને લઇને હવે રાજકીય ધમધમાટ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાની સાથે શહેનાઝબેન બાબી અને જશવંતસિંહ ભટ્ટીની બનેલી નિરીક્ષક ટીમોએ જુનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લાની ૯ તાલુકા પંચાયતની સાથે કેશોદ નગરપાલિકાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોને સાંભળ્યા હતા. તમામ ઉમેદવારોના ફોર્મ આવી ગયા પછી તેને પ્રદેશ કોંગ્રેસ ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી તમામ નવ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ૩૦ બેઠકોની સાથે કેશોદ નગરપાલિકાની તમામ બેઠકો પર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત થશે.
પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ માધ્યમો સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે, “અમે મજબૂતાઈથી ચૂંટણી લડશું. સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને પ્રજાની વચ્ચે રહેનારા ચહેરોઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થશે. પાર્ટી યુવાનો અને શિક્ષિત ઉમેદવારો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, પરંતુ કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા માગતો હોય કે જેની ઉંમર અને શૈક્ષણિક લાયકાત ઓછી હોય પરંતુ ચૂંટણી લડવા માગતો ઉમેદવાર પ્રજાની વચ્ચે સતત રહેનારો અને પ્રજા પણ તેને ઇચ્છતી હશે આવા ઉમેદવારોને પણ કોંગ્રેસ જિલ્લા તાલુકા અને કેશોદ નગરપાલિકામાં ઉમેદવાર બનાવશે. જુનાગઢ જિલ્લા પંચાયતી સાથે જિલ્લાની તમામ નવ તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકામાં પણ હાલમાં કોંગ્રેસના કોર્પોરેટર અને સભ્ય તરીકે ચૂંટાયેલા તમામ લોકોને ફરીથી પાર્ટી રીપીટ પણ કરશે.”
હીરાભાઈ જોટવાએ વધુમાં જણાવ્યું કે, “જ્યારે ગુજરાતમાં બીજા રાજકીય પક્ષનુ કોઈ અસ્તિત્વ ન હતું. આવા સમયે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનો દબદબો હતો. ભાજપ પાર્ટીમાં રહેલા કાર્યકરો મૂળભૂત રીતે કોંગ્રેસની જૂની વિચારધારા સાથે જોડાયેલા હશે. આવા લોકો જો ભાજપ અને આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવશે અને આવેલો આ વ્યક્તિ પાર્ટીમાંથી ટિકિટ માંગશે તો જે તે મતવિસ્તારના લોકોનો મત અને કોંગ્રેસમાં જોડાયેલા વ્યક્તિની ઓળખ કરીને પાર્ટી આવા ઉમેદવારોને પણ ટિકિટ આપવાનું વિચારી શકે છે. જેથી ચૂંટણીના સમયમાં કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટીમાંથી આવેલા સ્થાનિક નેતાઓને ઉમેદવાર બનાવી શકે છે.”

