New Delhi,તા.13
પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગેઝ સાથે લગ્ન કરી લીધા છે. રોનાલ્ડો અને જોર્જિનાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમાચારની પુષ્ટિ કરી છે. આ કપલ છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપમાં હતું. બંનેના લગ્ન 11 ઓગસ્ટ, 2026ના રોજ પોર્ટુગલના કાસકૈસમાં એક ખાનગી સમારોહમાં યોજાયા હતા. બરાબર એક વર્ષ પહેલા આ જોડીએ 11 ઓગસ્ટ, 2025ના રોજ સગાઈ કરી હતી. રોનાલ્ડો અને જોર્જિનાના આ ખાસ પ્રસંગે પરિવારના નજીકના લોકો અને તેમના પાંચેય બાળકો હાજર રહ્યા હતા.41 વર્ષીય રોનાલ્ડોએ પોતાના લગ્નને સંપૂર્ણપણે પ્રાઇવેટ રાખ્યા હતા. તેમણે અગાઉ ક્યારેય એવો સંકેત આપ્યો ન હતો કે તે લગ્ન કરવા જઈ રહ્યા છે, જેના કારણે ફેન્સ માટે આ એક મોટું સરપ્રાઇઝ સાબિત થયું છે. રોનાલ્ડો અને જોર્જિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો છે, તેમાં બંનેના ડાબા હાથમાં રિંગ્સ દેખાઈ રહી છે. આ સિવાય તેમના લગ્નની અન્ય કોઈ તસવીર કે વીડિયો હજુ સુધી સામે આવ્યા નથી.રોનાલ્ડો અને જોર્જિના લગ્ન પહેલાં જ માતા-પિતા બની ચૂક્યા છે અને તેમને પાંચ બાળકો છે. જેમના નામ ક્રિસ્ટિયાનો જુનિયર, જોડિયા બાળકો ઈવા અને માટેઓ, અલાના માર્ટિના તેમજ બેલા એસ્મેરાલ્ડા છે. આ કપલે વર્ષ 2017માં અલાનાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ 2022માં જોર્જિનાએ ફરીથી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મના થોડા સમય બાદ જ તેમના પુત્ર એન્જલનું અવસાન થયું હતું, જ્યારે તેની જોડિયા બહેન બેલા જીવિત રહી હતી.

