Mumbai,તા.19
સોમવારે રાત્રે ચેન્નાઈના ઐતિહાસિક એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ક્રિકેટ અને લાગણીઓનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. મેચ પછી, મહેન્દ્ર સિંહ ધોનીએ મેદાનની આસપાસ `લેપ ઓફ ઓનર’ લઈને હજારો ચાહકોનું સ્વાગત કર્યું.
આ દરમિયાન `ચિન્ના થાલા’ સુરેશ રૈના પણ તેમની સાથે હાજર હતા. સાક્ષી પણ દર્શકોની ગેલેરીમાં હાજર હતા. ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની છેલ્લી મેચ હતી, તેથી મેચ સમાપ્ત થયા પછી સ્ટેડિયમનું વાતાવરણ ખૂબ જ ભાવુક થઈ ગયું. પીળી જર્સી પહેરેલા ચાહકો પધોની-ધોનીથ ના નારાઓથી આખુ મેદાનમાં ગુંજી ઉઠયું હતું.
મેચ પછી, ધોની મેદાનમાં આવ્યો, દર્શકોના અભિવાદનનો સ્વીકાર કર્યો. તે મેદાન પર બેઠો અને સાથી ખેલાડીઓ સાથે ફોટોગ્રાફી કરાવી. તેણે ગ્રાઉન્ડ સ્ટાફ અને કેમેરામેન સાથે ખાસ ક્ષણો પણ શેર કરી.
ધોની અને રૈનાને મેદાન પર સાથે જોઈને ચાહકોને જૂના દિવસોની યાદ આવી ગઈ. ચેપોકના દર્શકોએ તેમના મનપસંદ ખેલાડીઓનું સન્માન કરવા માટે તેમના મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરી.

