Washington, તા.27
લગભગ એક માસથી ચાલી રહેલા ઇરાન સામેના અમેરિકા અને ઇઝરાયલના જંગમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ઇરાન સામેના યુધ્ધ વિરામમાં 10 દિવસની મુદ્દત લંબાવી છે. ગઇકાલે વ્હાઇટ હાઉસમાં યુધ્ધના પ્રારંભ પછી પ્રથમ વખત મળેલી અમેરિકી કેબીનેટમાં ટ્રમ્પે જાહેર કર્યુ કે ઇરાન સાથે વાટાઘાટો ચાલુ છે અને તેઓએ 7 દિવસ માંગ્યા હતા.
પરંતુ મે તેમને 10 દિવસનો સમય આપ્યો છે. જોકે અગાઉ અમેરિકાની 1પ મુદ્દાની સમુજતી ફોર્મ્યુલાને ઇરાને અગાઉ જ અયોગ્ય અને વધુ પડતી કહીને ફગાવી દીધી છે અને મધ્ય પૂર્વમાં ગલ્ફ સહિતના દેશોમાં ઇરાનના હુમલા અને ઇઝરાયલ દ્વારા પણ લેબનન સહિતના વિસ્તારોમાં અને તહેરાન પર હુમલા ચાલુ રાખ્યા છે.
તે વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતમાં તેઓએ કારણ આપતા જણાવ્યું કે, વાટાઘાટ વચ્ચે પણ ઇરાને હોર્મુઝ જળમાર્ગમાંથી જે રીતે ક્રુડ તેલ તથા એલપીજી લઇ જઇ રહેલા આઠ જહાજોને પસાર થવાની મંજૂરી આપતા તેઓએ આ ડેડલાઇન વધારી છે. જોકે ટ્રમ્પે પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું કે, ઇરાન હવે સમજુતી માટે આજીજી કરી રહ્યું છે.
તેઓએ મને કહ્યું હતું કે, શું વધુ મુદ્દત મળી શકે છે અને મેં 10 દિવસ સુધી ઇરાનના પાવર પ્લાન્ટ સહિતના ઉર્જા મથકો પર હુમલો નહીં કરવાનો આદેશ આપ્યો છે. આ સમયે હાજર રહેલા વિદેશ મંત્રી માર્કો રૂબીયોએ જણાવ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન માટે જે ગોલ નિશ્ચિત કર્યા હતા તે તમામ પાર પાડી લેવામાં આવ્યા છે અને હવે
ઇરાન પર હુમલા કરવા માટે કોઇ કારણ રહેતું નથી. ટ્રમ્પે જણાવ્યું કે, જે રીતે તેઓ ક્રુડ તેલ અને ગેસ લઇ જતા જહાજોને પસાર થવાની મંજૂરી આપે છે તે તહેરાન તરફથી મારા માટે એક ભેંટ છે.
ઇરાને હાલમાં જ ભારત સહિતના દેશોને ગેસ અને ક્રુડ તેલ જહાજોને જે રીતે હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી તેનો ઉલ્લેખ પ્રમુખ ટ્રમ્પ કરી રહ્યા હતા. ટ્રમ્પે આ ઉપરાંત ઇરાનને ટફ નેગોસીએટર એટલે કે આકરા વાટાઘાટકાર તરીકે પણ ગણાવ્યું હતું.
અગાઉ તેઓએ ઇરાન પર પાંચ દિવસ હુમલા નહીં કરવાની જાહેરાત કરી હતી અને ત્યાં સુધીમાં હોર્મુઝ જળમાર્ગ નહીં ખેોલે તો અમેરિકા આ જળમાર્ગ ખોલવા માટે લશ્કરી તાકાતનો ઉપયોગ કરશે હજુ સુધી અમેરિકાએ આ એકશન લીધા નથી તે વચ્ચે આ ટ્રમ્પની જાહેરાત મહત્વની છે.
હવે પ્રમુખ ટ્રમ્પ જે દાવો કરે છે તે મુજબ બંને દેશો વચ્ચે વાટાઘાટો કઇ રીતે અને કયાંય તેમજ કેટલા મુદ્દાઓ પર આગળ વધે છે તેના પર સૌની નજર છે. ઇરાન જોકે આકરૂ વલણ અપનાવી રહ્યાના સંકેત છે અને તેથી તા.6 સુધીમાં મુદ્દત પુરી થયા પછી પણ યુધ્ધની સ્થિતિ કેવી હશે તેના પર સૌની નજર છે.

