New Delhi,તા.10
દેશમાં E20 ફ્યુઅલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને વાહન ચાલકોમાં ચાલી રહેલા વિવાદ અને હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટું એલાન કર્યું છે. તેમણે આગામી સમયમાં આવી રહેલા E85 ફ્યુઅલ (85% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ના ભાવ અંગે મોટો સંકેત આપ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, E85 ફ્યુઅલની કિંમત ઊ20 પેટ્રોલ કરતાં રૂા.20 ઓછી હશે. એટલે કે આ નવું બળતણ બજારમાં અંદાજે રૂા.80થી રૂા.85 પ્રતિ લીટરના ભાવે મળી શકે છે.
સરકારનો લાંબા ગાળાનો લક્ષ્યાંક પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ (મિશ્રણ) 85% સુધી લઈ જવાનો છે. મંત્રીએ જણાવ્યું કે E85 ફ્યુઅલ પર અત્યારે ઝડપથી કામ ચાલી રહ્યું છે અને તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. હાલમાં આ ઇંધણ ખૂબ જ સીમિત લોકેશન પર ઉપલબ્ધ છે.
જોકે, એક મહત્ત્વની બાબત એ છે કે E85 ફ્યુઅલનો ઉપયોગ માત્ર એવા જ વાહનોમાં થઈ શકશે જેનું એન્જિન ‘ફ્લેક્સ ફ્યુઅલ’ને સપોર્ટ કરતું હોય. આ માટે ઓટોમોબાઈલ કંપનીઓએ નવા વાહનોનું નિર્માણ કરવું પડશે, જેમાં હજુ થોડો સમય લાગશે. પરંતુ તે પહેલા જ સરકારે આ ઇંધણ સસ્તું વેચવાની જાહેરાત કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

