મુંબઇથી ભાઈ સાથે નોકરીની શોધમાં આવેલા રાહુલે હતાશ થઈ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
Rajkot તા.૧૩
રોજીરોટીની શોધમાં વતન છોડીને આવેલા આશાસ્પદ કિશોરે આર્થિક મજબૂરી અને માનસિક હતાશામાં આવીને આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લોઠડા ગામમાં યુવકે પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કરી, ફોન બારી પર ચાલુ રાખીને જ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે.
કાયદાકીય રીતે ૧૮ વર્ષની ઉંમર પૂરી ન થવાના કારણે સ્થાનિક સ્તરે ક્યાંય નોકરી ન મળતા તે છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતો, જેમાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ લોઠડા ગામમાં કંપનીની ઓરડીમાં રહેતો રાહુલ નાનકુ આર્યા (ઉં.વ. ૧૮) ગત ૩ જુલાઈના રોજ જ પોતાના મોટા ભાઈ સાથે મુંબઈથી રાજકોટ કામની શોધમાં આવ્યો હતો. જોકે, તેની ઉંમર ૧૮ વર્ષ પૂરી ન હોવાના કારણે તેને કોઈ કામ પર રાખતું ન હતું. ઉંમરના કાયદા નડતા હોવાથી હાથમાં આવેલી તકો ગુમાવવી પડતી હતી, જેના કારણે રાહુલ છેલ્લા કેટલાક દિવસોથી એકદમ ઉદાસ અને ગુમસુમ રહેતો હતો.
સવારે પરિવારના અન્ય સભ્યો બહાર હોલમાં સૂતા હતા, ત્યારે રાહુલ રૂમમાં એકલો હતો. આ સમયે તેણે પોતાની પુષ્પા નામની પ્રેમિકાને વીડિયો કોલ કર્યો હતો. રાહુલે રૂમની બારી પર મોબાઈલ ફોન રાખી વીડિયો કોલ ચાલુ રાખીને જ પંખા સાથે ગમછો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મોટા ભાઈની નજર રૂમ તરફ જતાં જ રાહુલ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક રાહુલ બે ભાઈ અને ચાર બહેનોમાં ત્રીજા નંબરનો અને અપરિણીત હતો. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

