ખનક બ્યુટીપાર્લરમાં હિતેષ વાજા અને વામ્બે આવાસનો જિતેન્દ્રસિંહ રાણા સાથે મળી રાજસ્થાનથી સસ્તો દારૂ લઈ આવી બ્રાન્ડેડ બોટલમાં દારૂ ભરી ડબલ ભાવે વેંચતા ‘તાં
Rajkot,તા,29
મોંઘી બોટલમાં સસ્તો દારૂના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રિયદર્શની સોસાયટીમાંથી શરાબની મીની ફેકટરી પકડી એક શખ્સની એલસીબી ઝોન-૨ ની ટીમે તપાસ આદરી હતી. ખનક બ્યુટીપાર્લરમાં હિતેષ વાજા અને વામ્બે આવાસનો જિતેન્દ્રસિંહ રાણા સાથે મળી રાજસ્થાનથી સસ્તો દારૂ લઈ આવી બ્રાન્ડેડ બોટલમાં દારૂ ભરી ડબલ ભાવે વેંચતા હતાં. ૧૫૦ ફુટ રીંગ રોડ ઓમ નગર સર્કલ ૪૦ નો રોડ પ્રિયદર્શની સોસાયટી શેરી નં. ૧ ખનક બ્યુટી પાર્લર વાળા મકાનમાં હિતેષ કાનજી વાજાએવિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે તેવી ચોકકસ બાતમી મળતા ટીમે દરોડો પાડ્યો હતો.બાતમી વાળા મકાનમાં જઈ હિતેષ કાનજી વાજા (ઉ.વ.૩૮, રહે. ભોલેનાથ શેરી નં.૪ ત્રિવેણીનગર ની બાજુમાં અંકુર મેઇન રોડ મવડી) ની અટક કરી મકાન બાબતે પુછતા પોતાના બેન આશાબેન જયેશ રાઠોડનું મકાન છે અને પોતે કબ્જો ધરાવતો હોવાનું જણાવેલ હતું. બે માળના મકાનમાં પ્રવેશ કરતા રૂમમાં આવેલ સેટી તથા કબાટ વચ્ચે ઝબલા, પ્લાસ્ટીક બાચકુ તથા બોકસ પડેલ હોય જે ખોલી જોતા તેમાંથી વિદેશી દારૂની કાચની બોટલો જોવામાં આવતા આરોપીની ધરપકડ કરી દારૂની ૩૮ રૂ.૪૧ હજાર તેમજ એન્ટીકયુટીવ બ્લુ અલ્ટ્રા પ્રિમિયમ વ્હીસ્કીની ખાલી બોટલો નંગ-૫, ઢાંકણા નંગ-૧૪, બ્લેન્ડર્સ પ્રાઈડની ખાલી બોટલો નંગ-૧૦ તથા ઢાંકણા નંગ-૧૧ મળી તમામ મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આરોપીને દારૂ બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, પોતાના બેન આશાબેનના મકાનનો કબ્જો ધરાવતો હોય અને તેના મિત્ર જિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાણા (રહે. વામ્બે આવાસ યોજના કવાર્ટર કાલાવાડ રોડ) ગઈકાલ સાંજના સમયે દારૂનો જથ્થો વેચાણ માટે આપી ગયેલ હોવાનું જણાવેલ હતું. તેમજ પોતાને ધણા વર્ષોથી લીવરની બિમારી હોય તેમજ દસેક દિવસ પહેલા અંકુર રોડ ઉપર એકટીવા સ્લીપ થઈ જતા જમણા હાથે ફેકચર થયેલ હોવાનું જણાવેલ હતું.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ફરાર આરોપી જીતેન્દ્રસીંહ રાજસ્થાનથી નબળી બ્રાન્ડનો દારૂ લઈ આવતો અને અહીં બંને ભેગા મળી મોંઘી બ્રાન્ડેડ દારૂની બોટલમાં દારૂ ભરી ઊંચા ભાવે વેંચતા હતાં. હાલ પોલીસે જિતેન્દ્રસિંહની શોધખોળ આદરી છે.

