જૂની અદાવતનો ખાર રાખી બાઈકને આંતરી યુવાન પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો
Jasdan,તા,26
વિંછીયા તાલુકા છાસિયા ગામે રહેતા ખેડૂત યુવાનને પાઇપના ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવી દેવામાં આવી હતી. જૂની અદાવતનો ખાર ગામના જ શખ્સે ઓરી ગામ નજીક યુવાનનું બાઈક આંતરી માથાના ભાગે પાઇપના ઘા ઝીંકી હત્યાને અંજામ આપ્યો હતો. જે મામલે વિંછીયા પોલીસે ખૂનની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રમેશ ઉર્ફે ભટુને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો. વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતા 35 વર્ષીય મહિલા સંગીતાબેન જસમતભાઇ ઉર્ફે મનસુખભાઈ માવજીભાઈ મકવાણાએ આરોપી તરીકે રમેશ ઉર્ફે ભટુ લીંબાભાઈ જોગરાજીયા(રહે. છાસિયા, વિંછીયા, રાજકોટ)નું નામ આપતાં વિંછીયા પોલીસની ટીમે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગત તા.૨૫/૦૫/૨૦૨૬ બપોર પછી હું તથા મારા પતિ જસમતભાઇ અને બંને સંતાનો વાડીએ આવેલ અમારા ઘરે હતા. મેં કરેલ ઈમીટેશનનુ કામ મારા સગા નાનાભાઈ દેવરાજભાઈને દેવાનુ હોય આથી મારા પતિ જસમતભાઇ મોટર સાયકલ લઈને આશરે ચારેક વાગ્યે ઈમીટેશનનુ કામ દેવા ગયેલ હતા જયારે હું તથા બાળકો વાડીએ હતા. આશરે સવા છ વાગ્યે અમારી વાડી છાસીયાથી ઢોંકળવા ગામે જવાના માર્ગે આવેલ હોય ત્યાં અમારા ગામના વિજયભાઇ રમેશભાઈ દેવીપુજક મોટર સાયકલ લઇ આવેલ અને મને વાત કરેલ કે, તમારા પતિ જસમતભાઈ તથા આપણા ગામના રમેશભાઈ ઉર્ફે ભટુ આપણા ગામમા આવેલ કિશાન ટ્રેડર્સ દુકાનની આગળ ઝઘડો કરે છે. જેથી હું તેમના મોટર સાયકલ બેસી ત્યાં પહોંચી હતી. જયા અગાઉથી ઘણા બધા લોકો હાજર હતા અને રસ્તા પર લોહી જોવા મળ્યું હતું. એકત્રિત થયેલા લોકો વાત કરતા હતા કે, મનસુખભાઈને માથાના ભાગે ભટુભાઇએ લોખંડનો પાઇપ મારેલ છે અને ૧૦૮ માં એમ્બ્યુલન્સમા વિંછીયા દવાખાને લઇ ગયેલ છે. જેથી હું વિંછીયા દવાખાને જવા માટે રોડ પર ઉભી હતી. ત્યા અમારા ગામના નિલેશભાઈ સોમાભાઈ ઝાપડીયા તેમની ઇકકો ગાડી લઇ નીકળતા મે તેમને કહેલ કે તમે મને વિંછીયા દવાખાને મુકી જાવ. જેથી હું અને મારા કાકાજી સસરા ઘુઘાભાઇ લધરાભાઇ મકવાણા તથા નણંદ વાલુબેન વિંછીયા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
વિંછીયા હોસ્પિટલ ખાતે પહોંચતા ત્યા મારા પતિ જસમતભાઈ ઉર્ફે મનસુખભાઈને સ્ટ્રેચર ઉપર સુવડાવેલ હતા, તેના માથાના ભાગે ઇજા થવાથી લોહી નિકળતુ હતુ અને ફરજ પરના તબીબે મારા પતિને તપાસી મૃત જાહેર કરી દીધા હતા. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમારા ગામના રમેશભાઈ ઉર્ફે ભટુ લીંબાભાઈ જોગરાજીયાએ વર્ષ ૨૦૨૪ મા મારા પતિ જસમતભાઈ તથા સસરા માવજીભાઈને પાઈપ વડે માર મારી ખૂનની ધમકી આપેલ હતી. જે બાબતે અમે વિંછીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેનો ખાર રાખી રમેશ ઉર્ફે ભટુ અવાર નવાર અમારા ઘરે તથા વાડીએ આવી મારી નાખવાની ધમકી આપતો હતો. તે બાબતનો ખાર રાખી મારા પતિ જસમતભાઈ મોટર સાયકલ લઈને ઓરી ગામે ઇમીટેશનનુ કામ આપીને ઘરે પરત આવતા હતા તે દરમ્યાન છાસીયા ગામે રમેશભાઇ ઉર્ફે ભટુ લીંબાભાઈ જોગરાજીયાએ માથાના ભાગે લોખંડના પાઇપના ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હતું. જે મામલે ગુનો નોંધી વિંછીયા પોલીસ મથકના પીઆઈ એ સી ડામોરની ટીમે આરોપી રમેશ ઉર્ફે ભટુ લીંબાભાઈ જોગરાજીયા(ઉવ 42) ને વાડી વિસ્તારમાંથી પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
