New Delhi,તા.15
અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત યજમાનીમાં આ વર્ષે 11 જૂનથી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં માત્ર બે મહિના બાકી છે અને તે પહેલાં અમેરિકાની ઈરાન સાથે ચાલી રહેલી લડાઈને કારણે તણાવ પેદા થયો છે.
કેટલાક લોકો માને છે કે, તેની અસર ફિફા વર્લ્ડ કપ પર પણ પડી શકે છે, પરંતુ એક તાજા આંકલનમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમેરિકા માટે આગામી ફિફા વર્લ્ડ કપ મોટા ફાયદાનો સોદો સાબિત થશે.
રિપોર્ટ મુજબ, આ વર્લ્ડ કપથી અમેરિકાની ઇકોનોમીને લગભગ 30.5 બિલિયન ડોલરનો ફાયદો થશે. નોંધનીય છે કે અમેરિકા પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની યજમાની કરશે.
યજમાની પર ઓછો ખર્ચ
રિપોર્ટ મુજબ, અમેરિકા ફિફા વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી વધુ કમાણી કરનાર યજમાન દેશ હશે. તેની સૌથી મોટું કારણ એ છે કે અમેરિકામાં પહેલેથી જ રમતોનું મજબૂત માળખું છે. અમેરિકાએ વર્લ્ડ કપ માટે નવા સ્ટેડિયમ બનાવવા પર અબજો ડોલર ખર્ચવા પડ્યાં નથી. આ કારણોસર તેની યજમાનીનો ખર્ચ ઘણો ઓછો આવ્યો છે.
ટીમોની સંખ્યા વધવાથી યજમાન દેશોને ફાયદો
ફિફાએ 39 દિવસ સુધી ચાલનારા વર્લ્ડ કપ 2026 માં ટીમોની સંખ્યા 32 થી વધારીને 48 કરી દીધી છે. આ દરમિયાન કુલ 104 મેચો રમાશે, જ્યારે પાછલા વર્લ્ડ કપમાં 64 મેચ જ રમાઈ હતી.
આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 74 મેચ અમેરિકામાં રમાશે. જ્યારે કેનેડા અને મેક્સિકોમાં ક્રમશઃ 13-13 મેચોનું આયોજન થશે. ટીમો અને મેચોની સંખ્યા વધવાથી ટિકિટો વધુ વેચાશે અને યજમાન દેશોને ફાયદો થશે.
વિદેશી પ્રવાસીઓનો ખર્ચ વધશે
જોકે વિદેશી પ્રવાસીઓ માટે થોડી મુશ્કેલી અને ખર્ચ વધવાની સંભાવના છે. આ પડકારોમાં સૌથી મોટી સમસ્યા વિઝા અને ટ્રાવેલ ફીમાં વધારો છે.
1. અમેરિકી રાષ્ટ્રપતિના ‘વન બિગ બ્યુટીફુલ ટિકિટ એક્ટ’ના ભાગરૂપે ઘણાં યુરોપિયન પ્રવાસીઓ માટે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઈઝેશનની કિંમત 21 ડોલરથી વધીને 40 ડોલર થઈ ગઈ છે. ટુર્નામેન્ટમાં યુરોપની 16 ટીમો છે.
2. ESTA માટે પાત્ર ન હોય તેવા દેશોનાં નાગરિકો માટે ટૂરિસ્ટ
વિઝાનો આધારભૂત ભાવ 160 ડોલરથી વધીને 185 ડોલર કરી દેવામાં આવ્યો છે.
3. ઘણા દેશોને વિઝા માટે 05 થી 15 હજાર ડોલર સુધીનું બોન્ડ જમા કરાવવું પડશે, જે વિઝા માટે ઇન્ટરવ્યુ આપતાં પહેલાં જમા કરાવવાનું રહેશે.
રેકોર્ડ દર્શકો પણ આવશે અમેરિકા
► 10 લાખ લોકો : જર્મની, 2006
► 08 લાખ લોકો : દક્ષિણ આફ્રિકા, 2010
► 10 લાખ લોકો : બ્રાઝિલ, 2014
► 30 લાખ લોકો : રશિયા, 2018
► 15 લાખ લોકો : કતર, 2022
► 65 લાખ લોકો : અમેરિકા, 2026

