(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫
જામનગર તાલુકાના મોખણા ગામની સીમ વિસ્તારમાં બે દિવસ પહેલાં રાત્રિના સમયે દીપડાના દર્શન થયાની ઘટના બાદ વન વિભાગ સતર્ક બની ગયું છે. દીપડાની હિલચાલ અંગે મળેલી માહિતીના આધારે વન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ દીપડાને સુરક્ષિત રીતે કેદ કરવા માટે વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગની ટીમ છેલ્લા બે દિવસથી મોખણા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. દીપડાની અવરજવર પર નજર રાખવા માટે સંવેદનશીલ સ્થળોએ પિંજરાઓ ગોઠવવામાં આવ્યા છે અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન તા. ૨૪ જૂનના રોજ રાત્રિના સમયે મોખાણા ગામ ખાતે વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને દીપડાથી બચવા માટે જરૂરી સાવચેતીના પગલાં અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, નાના બાળકો પર વિશેષ ધ્યાન રાખવા, પશુધન અને માલઢોરને સુરક્ષિત વાડા અથવા કિલામાં રાખવા તેમજ અંધારામાં ખેતરો અને સીમ વિસ્તારમાં અવરજવર ટાળવા અપીલ કરી હતી. ઉપરાંત દીપડો નજરે ચડે અથવા તેની હિલચાલ અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ફેલાવવાના બદલે સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો. દીપડાને સુરક્ષિત રીતે કેદ કરવા માટે વન વિભાગની કામગીરી સતત ચાલુ હોવાનું અને હાલ સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

