Rajkot તા.૩૦
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ધર્મેન્દ્રસિંહજી આટ્ર્સ કોલેજ, રાજકોટ ખાતે રમતગમત વિભાગ અને ઇતિહાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસીય ચેસ વર્કશોપનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો.
કાર્યક્રમની અધ્યક્ષતા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશ રાવલે કરી હતી. મુખ્ય મહેમાન તરીકે ડૉ. દીપમાલા ચંદે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે કોલેજના સિનિયર ફેકલ્ટી પ્રો. અશ્વિન પુંજાણી ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર રમતગમત વિભાગના સંયોજક ડૉ. શ્વેતા દવે , ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ધર્મેશ પરમાર, લાઇબ્રેરિયન હિનાબેન પરમાર તેમજ પ્રો. શશીકાંત ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની રૂપરેખા ડૉ. ધર્મેશ પરમારે રજૂ કરી હતી. પ્રાસંગિક પ્રવચનમાં પ્રો. અશ્વિન પુંજાણીએ જણાવ્યું હતું કે ચેસ માત્ર રમત નહીં પરંતુ આયોજનબદ્ધ વિચારસરણી, ધીરજ, નિર્ણયક્ષમતા અને એકાગ્રતા વિકસાવતું અસરકારક માધ્યમ છે. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે બૌદ્ધિક રમતોમાં પણ સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશ રાવલે પોતાના આશીર્વચનમાં વિદ્યાર્થીઓને સતત અભ્યાસ સાથે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા અને આવા રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે રમતગમત વિભાગ તથા ઇતિહાસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ શુભારંભ પ્રસંગે વિવિધ વર્ગોના આશરે ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

