Porbandar, તા.16
પોરબંદરની ચોપાટી ખાતે વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવતા હોય છે.
આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ-વિવાદો બાદ ગાંધી સ્મૃતિભવનનું નિર્માણ કર્યું હતું. જેનું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિભવનના સંગ્રહાલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસ્વીરો તેમજ યાદગાર પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારીત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
સ્મૃતી ભવનના લોકાર્પણ બાદ સ્મૃતિભવનનું સંચાલન રાજ્ય સરકારનાં યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિભવન ફક્ત શોભાના ગાઠીયા સમાન બની ગયું છે, સમગ્ર દુનિયા જેને વિશ્વવિભૂતી અને મહામાનવ ગણે છે તેવા ગાંધીજીના જન્મસ્થળ ખાતે આવેલી તેમની સ્મૃતી ભવનની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે કરોડો રુપિયા ખર્ચીને નિર્માણ કરાયેલા આ ગાંધી સ્મૃતી ભવનના સુચારુ સંચાલન માટે સરકાર આ સ્મૃતિભવન ખાતે પબરતા પ્રમાણમાં સ્ટાફ અને યોગ્ય જાળવણી પણ કરે તે જરૂરી છે.
આ બિલ્ડીંગના નિર્માણથી જ વિવાદિત બન્યું હતું ત્યારે હાલ આગાંધી સ્મૃતિ ભવનનું બિલ્ડીંગ બિસ્માર હાલતમાંજોવા મળી રહ્યું છે. બિલ્ડીંગમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા તૂટી ગઈ છે.તો અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ ગાંધી પુસ્તકાલય અને ગાંધી સંગ્રહાલયને પણ વર્ષોથી તાળા લગાવી દેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગના બાંધકામથી જ વિવાદમાં આવી જતાઆ બિલ્ડિંગ ક્યારેય એકધારું ખુલ્લું રહ્યું જ નથી જેથી હાલ આ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં ફેરવાયું છે. ગાંધીના ગામમાં જ તેમના નામે બનાવેલ બિલ્ડીંગ બિસ્માર હાલતમાં જોવા મળતા ગાંધી પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
પોરબંદરની ચોપાટી પર હાલ જ્યાં ગાંધીસ્મૃતિ ભવન ઉપલબ્ધ છે ત્યારે આ ભવન બનાવવા વર્ષો પહેલા ઉપલબ્ધ સ્કેટિંગરીંગ તોડી પાડવામાં આવી હતી અને બાદમાં આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી વિવાદ ઉભો થયો હતો. પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વર્ષો પૂર્વે પોરબદર નગરપાલિકા દ્વારા સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીજીના જીવન ચરિત્ર પરનો લેશર શો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો જે પણ વર્ષોથી બંધ થઈ ગયો છે અને આ પ્રોજેકટ પર પણ પાણી ફરી વળ્યું છે.

