Mumbai,તા.03
મુંબઈના નરીમાન પોઇન્ટ ખાતે આવેલી ઐતિહાસિક અને વ્યાપારી રીતે મહત્વપૂર્ણ એર ઇન્ડિયા બિલ્ડિંગ હવે સત્તાવાર રીતે મહારાષ્ટ્ર સરકારની માલિકીની બની ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આ હસ્તાંતરણ સમારોહ યોજાયો હતો.
રાજ્ય મંત્રીમંડળે 8 સપ્ટેમ્બર, 2023ના રોજ આ ખરીદીને મંજૂરી આપી હતી. તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ, સરકારે એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ કોર્પોરેશન (AIAHL) પાસેથી આ ઇમારત 1,601 કરોડમાં હસ્તગત કરી છે. આ ઉપરાંત, સરકારે ભાડાપટ્ટે આપેલી જમીનના આશરે રૂ .300 કરોડના બાકી લેણાં પણ માફ કર્યા છે.
જાહેર બાંધકામ મંત્રી (PWD) શિવેન્દ્રસિંહરાજે ભોંસલેના માર્ગદર્શન હેઠળ જરૂરી રકમ ચૂકવીને બિલ્ડિંગનો કબજો મેળવી લેવાયો છે. મંત્રાલયમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે સરકારી કચેરીઓનું સ્થળાંતર કરતાં પહેલાં બિલ્ડિંગનું વિગતવાર માળખાકીય નિરીક્ષણ અને જરૂરી સમારકામ કરવામાં આવે, ત્યારબાદ જ આંતરિક સુશોભનનું કામ શરૂ થાય. PWD વિભાગ આ ઇમારતનું આંતરિક નવીનીકરણ કરીને એક વર્ષની અંદર તેને ઉપયોગ માટે સંપૂર્ણ તૈયાર કરવાની યોજના ધરાવે છે.
આ ઇમારતના સંપાદનથી મહારાષ્ટ્ર સરકારને મુખ્ય સચિવાલય (મંત્રાલય)ની બિલકુલ નજીક આશરે 46,470 ચોરસ મીટરની વિશાળ જગ્યા મળશે. વાસ્તવમાં, મંત્રાલયની મુખ્ય ઇમારત લાંબા સમયથી જગ્યાની ભારે અછતનો સામનો કરી રહી હતી.
2012માં મંત્રાલય સંકુલમાં લાગેલી ભીષણ આગને કારણે ઘણા વિભાગોને ત્યાંથી તાત્કાલિક ખાલી કરાવવા પડ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્ય સરકાર મંત્રાલય અને તેની સાથે સંકળાયેલી ઇમારતોમાં જગ્યાની તીવ્ર તંગી ભોગવી રહી હતી.

