New Delhi,તા.01
હાર્દિક પંડ્યાએ પોતાના ક્રિકેટ કરિયરને લાંબુ ખેંચવા માટે એક એવો નિર્ણય લીધો છે, જે અત્યાર સુધી કોઈ મોટા ભારતીય ક્રિકેટરે લીધો નથી. ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ઓલરાઉન્ડરે પોતાનો ટ્રેનિંગ બેઝ કાયમી ધોરણે બેંગલુરુ શિફ્ટ કરી લીધો છે. હવે જ્યારે પણ તેઓ ભારતીય ટીમ, IPL કે ઘરેલું ક્રિકેટની જવાબદારીઓમાં વ્યસ્ત નહીં હોય, ત્યારે તેમનું સરનામું BCCIનું સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) રહેશે.
આ માત્ર શહેર બદલવાનો નિર્ણય નથી, પરંતુ ઈજાઓથી સતત ઝઝૂમી રહેલા હાર્દિકની સમગ્ર ક્રિકેટ વ્યૂહરચના બદલવા વાળું પગલું છે. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં જેટલા પોતાની મેચ-વિનિંગ બેટિંગ અને બોલિંગ માટે ચર્ચામાં રહ્યા છે, તેટલી જ તેમની ફિટનેસ પણ ચિંતાનો વિષય રહી છે. ક્યારેક ઘૂંટીની ઈજા, ક્યારેક પીઠની સમસ્યા અને હવે ક્વાડ્રિસેપ્સ ઈન્જરી, વારંવાર ઈજાગ્રસ્ત થવાને કારણે તેમણે ઘણી મહત્વની સિરીઝ અને ટૂર્નામેન્ટ ગુમાવવી પડી છે. આ જ કારણે તેમણે હવે પોતાની કરિયરના બાકીના વર્ષોને ફિટનેસના હિસાબથી પ્લાન કરવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈથી કેમ કર્યો કિનારો?
હાર્દિક મૂળ વડોદરાના રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહેતા હતા. ત્યાં તેઓ મુખ્યત્વે મુંબઈ ઈન્ડિયન્સના હાઈ-પર્ફોર્મન્સ સેન્ટરમાં પ્રેક્ટિસ કરતા હતા. પરંતુ BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર, લોઅર પરેલ સ્થિત ઘરથી રોજ ટ્રેનિંગ માટે લાંબી મુસાફરી કરવી તેમના માટે મુશ્કેલી બની રહી હતી. બીજી તરફ બેંગલુરુ સ્થિત COEમાં તેમને વિશ્વસ્તરીય મેડિકલ, રિકવરી, ફિટનેસ અને સ્કિલ ટ્રેનિંગની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે, તેમણે બેંગલુરુના બહારના વિસ્તારમાં COEની નજીક એક ઘર ભાડે લીધું છે, અને તેને પોતાનો કાયમી ટ્રેનિંગ બેઝ બનાવી લીધો છે.
ભારતીય ક્રિકેટમાં પ્રથમ વખત
અત્યાર સુધી ભારતના કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ જરૂર પડે ત્યારે જ COE પહોંચતા હતા. ઈજાના સમયે રિહેબિલિટેશન, ફિટનેસ ટેસ્ટ કે રાષ્ટ્રીય ટીમના કેમ્પ દરમિયાન જ ત્યાં સમય વિતાવવામાં આવતો હતો. હાર્દિક આ પરંપરા બદલનારા પ્રથમ મોટા સક્રિય ભારતીય ક્રિકેટર બન્યા છે. હવે તેમનો નિયમિત અભ્યાસ, રિકવરી અને ફિટનેસ પ્રોગ્રામ આ જ સેન્ટરથી સંચાલિત થશે. સૂત્રોનું કહેવું છે કે, હાર્દિક આગામી પાંચથી છ વર્ષ સુધી ભારત માટે વ્હાઇટ-બોલ ક્રિકેટ રમવા માંગે છે, અને તે જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે.
ખાનગી ટીમ પણ સાથે રહેશે
COEની સુવિધાઓ ઉપરાંત હાર્દિક પોતાના અંગત ફિઝિયોથેરાપિસ્ટ અને પર્સનલ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ સાથે પણ કામ કરશે. એટલે કે BCCIની વૈજ્ઞાનિક વ્યવસ્થા અને તેમની ખાનગી સપોર્ટ ટીમ મળીને તેમની ફિટનેસ પર સતત નજર રાખશે. રસપ્રદ વાત એ છે કે, નેટ્સમાં જ્યારે તેઓ COE દ્વારા બોલાવવામાં આવેલા બોલરો સામે વધારાની બેટિંગ પ્રેક્ટિસ કરે છે, ત્યારે તેનો ખર્ચ પણ તેઓ પોતે જ ઉઠાવે છે.
હાલમાં ઈજામાંથી સાજા થઈ રહ્યા છે
32 વર્ષના હાર્દિક અત્યારે ક્વાડ્રિસેપ્સ ઈન્જરીથી પીડાઈ રહ્યા છે. આ ઈજાના કારણે તેઓ ભારતના વર્તમાન યુકે (UK) પ્રવાસમાંથી બહાર છે. છેલ્લા છ મહિનામાં તેમણે COEમાં ઘણો સમય રિહેબિલિટેશન અને ફિટનેસ ટ્રેનિંગમાં વિતાવ્યો છે. અંગત કારણોસર તેમણે થોડા દિવસોનો નાનો બ્રેક લીધો હતો, અને હવે એક-બે દિવસમાં ફરી બેંગલુરુ પરત ફરીને પોતાની રિકવરી શરૂ કરશે.
ઝિમ્બાબ્વે પ્રવાસ પર વાપસી થશે કે નહીં?
ભારત, યુકેના પ્રવાસ બાદ ઝિમ્બાબ્વે સામે ત્રણ T-20 મેચોની સિરીઝ રમાવાની છે. જો કે હાર્દિકની વાપસી હજુ નક્કી નથી. પસંદગી ત્યારે જ શક્ય બનશે, જ્યારે તેઓ BCCIના ‘રિટર્ન-ટુ-પ્લે’ પ્રોટોકોલને સફળતાપૂર્વક પૂર્ણ કરી લે, અને મેડિકલ ટીમ તેમને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, હાર્દિક પંડ્યાએ પોતાની કરિયરના બીજા તબક્કાની શરૂઆત કરી દીધી છે. મુંબઈથી બેંગલુરુની આ સફર માત્ર સરનામું બદલવાની નથી, પરંતુ ફિટનેસને પ્રાથમિકતા આપીને ભારતીય ક્રિકેટમાં એક નવી કાર્યસંસ્કૃતિ સ્થાપિત કરવાનો પ્રયાસ પણ માનવામાં આવે છે.

