Mumbai,તા.30
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘હેરા ફેરી 3’ ને લઈને એક ખૂબ જ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આ આઇકોનિક કોમેડી ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ કદાચ હવે ક્યારેય, મોટા પડદા પર જોવા નહીં મળે. આ મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ‘વેરાયટી ઇન્ડિયા’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દિગ્દર્શક પ્રિયદર્શન હવે આ ફિલ્મનું ડાયરેક્શન નથી કરી રહ્યા. આ વાત પર પ્રતિક્રિયા આપતા ખુદ પ્રિયદર્શને કહ્યું કે, ‘ફિરોઝે જે કહ્યું છે, તે બિલકુલ સાચું છે. હાલમાં મારો ‘હેરા ફેરી 3′ સાથે કોઈ સંબંધ નથી.’ તેમણે આગળ ઉમેર્યું કે, ‘મારી જાણકારી મુજબ, અસંખ્ય કાનૂની વિવાદો અને અંગત મતભેદોના કારણે ‘હેરા ફેરી 3′ કદાચ ક્યારેય રિલીઝ નહીં થઈ શકે. આ સ્થિતિમાં મારું ફિલ્મમાં હોવું કે ન હોવું હવે બહુ મહત્વ નથી રાખતું.’
કરોડો ફેન્સના દિલ તૂટ્યા
પ્રિયદર્શનના આ નિવેદનથી એ કરોડો ફેન્સની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, જેઓ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આઇકોનિક ત્રિપુટીને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ખાસ વાત એ હતી કે વર્ષ 2000 ની સુપરહિટ ફિલ્મ ‘હેરા ફેરી’ના 26 વર્ષ બાદ પ્રિયદર્શન ફરી એકવાર આ ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળવાના હતા.
કાનૂની વિવાદ બન્યો સૌથી મોટો અવરોધ
‘હેરા ફેરી 3’ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. સૌથી મોટો વિવાદ આ ફિલ્મના રાઇટ્સ (અધિકારો)ને લઈને છે. દક્ષિણ ભારતની પ્રોડક્શન કંપની ‘સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલ’ નો દાવો છે કે ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝી અને તેના પાત્રોના તમામ રાઇટ્સ તેમની પાસે છે. બીજી તરફ, ફિલ્મના મેકર ફિરોઝ નડિયાદવાલા આ દાવાને સતત ફગાવી રહ્યા છે.
આ મામલો ત્યારે વધુ ગૂંચવાયો, જ્યારે અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ તરફથી કહેવામાં આવ્યું કે, તેમણે આ ફિલ્મના રાઇટ્સ ફિરોઝ નડિયાદવાલા પાસેથી એવા ભરોસા પર ખરીદ્યા હતા કે, કાયદેસરના અધિકારો તેમની પાસે જ છે.
પરેશ રાવલની એન્ટ્રી-એક્ઝિટે વધારી અસમંજસ
ફિલ્મને લઈને સસ્પેન્સ ત્યારે વધુ વધી ગયું હતું, જ્યારે મે 2025માં પરેશ રાવલે અચાનક આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. જો કે, બાદમાં તેઓ ફરીથી ફિલ્મમાં પાછા ફર્યા હતા, પરંતુ આ આખા ઘટનાક્રમે ફિલ્મના ભવિષ્યને લઈને ઘણી અટકળો જન્માવી હતી.
રસપ્રદ વાત એ છે કે, તાજેતરમાં જ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં એકસાથે જોવા મળ્યા છે, જેનું પ્રોડક્શન પણ ફિરોઝ નડિયાદવાલા જ કરી રહ્યા છે. પરંતુ ‘હેરા ફેરી 3’ ને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈ અને પ્રિયદર્શનના અલગ થયા બાદ હવે આ ફિલ્મનું ભવિષ્ય અધ્ધરતાલ લટકી ગયું છે. હવે ફેન્સની નજર એ વાત પર ટકેલી છે કે, શું આ વિવાદો ક્યારેય ઉકેલાશે કે પછી ‘હેરા ફેરી 3’ માત્ર એક અધૂરું સપનું બનીને રહી જશે.

