ડો. આર્યન પટેલે ₹500 અને ₹1000 આપી વિશાલ જોશીને ડ્યૂટી પર રાખ્યો; વિદ્યાર્થી ઈમર્જન્સી વોર્ડમાં દર્દીઓને ઈન્જેક્શન આપતો ઝડપાયો
Rajkot.તા.14
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે ગંભીર ચેડાં થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાના કિસ્સાઓ તો સાંભળ્યા હશે, પરંતુ અહીં તો એક રેસિડેન્ટ તબીબે પોતાની ફરજ બજાવવા માટે ભાડેથી ‘ડમી ડોક્ટર’ રાખ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડોક્ટરે માત્ર આરામ કરવા ખાતર એક હોમિયોપેથીના વિદ્યાર્થીને પોતાની જગ્યાએ ઈમર્જન્સી વોર્ડમાં ડ્યૂટી પર લગાડી દીધો હતો.મળતી માહિતી મુજબ, મેડિસિન વિભાગમાં એમડી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ડો. આર્યન પટેલ પોતાની ડ્યૂટીના સમયે ગેરહાજર રહી વિશાલ જોશી નામના યુવકને ડમી તરીકે મોકલતા હતા. આ માટે ડોક્ટર તરફથી ડમીને દિવસની ડ્યૂટીના રૂપિયા 500 પ્રતિ દિવસ તેમજ રાત્રિની ડ્યૂટીના ₹1000 પ્રતિ રાત્રિ ચૂકવવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે, ચોંકાવનારી બાબત એ છે કે ડમી તરીકે આવતો વિશાલ જોશી કોઈ માન્ય ડોક્ટર કે નર્સિંગનો વિદ્યાર્થી પણ નથી. તે હોમિયોપેથી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યાં ઈન્જેક્શન આપવા કે બાટલા ચડાવવાની મંજૂરી હોતી નથી. આમ છતાં, તે સિવિલના ઈમર્જન્સી વોર્ડમાં ગંભીર દર્દીઓને ઈન્જેક્શન આપતો અને બાટલા ચડાવતો હતો. રવિવારે સવારે જ્યારે તે રંગેહાથ ઝડપાયો, ત્યારે પૂછપરછ દરમિયાન તે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
ઉચ્ચ અધિકારીને તપાસ સોંપાઈ : આરએમઓ એચ એ દૂસરા
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા જ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. આ બાબતે આરએમઓ (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે, “આ ઘટના અત્યંત ગંભીર છે. હાલ આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાનું સત્ય જાણવા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સત્ય બહાર આવશે. અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા હવે તમામ વોર્ડમાં તબીબો માટે એપ્રન અને આઈડી કાર્ડ ફરજિયાત બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.

