California,તા.08
યુવાનો (જેન-ઝી)માં ડ્રાઇવિંગ સાથે જોડાયેલ એક જૂનો અને ખૂબ જ મહત્ત્વનું કૌશલ્ય ધીરે-ધીરે ગાયબ થઈ રહ્યો છે. તે છે મેન્યુઅલ એટલે કે ગિયર વાળી કાર ચલાવવી.
ઓટોમોબાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક દેશોનાં નિષ્ણાતોએ આ અંગે એક અભ્યાસ કર્યો છે.
તેમનાં મતે, ક્યારેક દરેક ડ્રાઇવર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવતી આ યોગ્યતા ખતમ થઈ રહી છે. તાજેતરમાં જ અમેરિકાનાં ડ્રાઇવરો પર એક ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં જાણવા મળ્યું છે કે માત્ર 18 ટકા લોકો જ એવા બચ્યાં છે, જે ગિયર વાળી ગાડી ચલાવી શકે છે.
જેન-ઝીના 35 ટકા યુવાનોએ સ્વીકાર્યું છે કે તેમણે જિંદગીમાં ક્યારેય મેન્યુઅલ ગાડી ચલાવવાનું શીખ્યું જ નથી. આનાથી વિપરીત, બેબી બૂમરમાં આ આંકડો માત્ર નવ ટકા હતો.
આનું એક કારણ એ પણ છે કે, કાર કંપનીઓ હવે મેન્યુઅલ ગાડીઓ ઓછી બનાવી રહી છે. કોઈ ભાગને રિપેર કરવાનાં બદલે સીધો બદલી દેવો અથવા પૂરી રીતે ઓટોમેટિક સિસ્ટમ પર નિર્ભર રહેવું ટ્રેન્ડ બની ચૂક્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે, ગિયર વાળી કાર ચલાવવા માટે મગજ અને અલગ-અલગ અંગો વચ્ચે તાલમેલની જરૂર હોય છે. મેન્યુઅલ કાર ચલાવતી વખતે જમણો પગ લીવર અને બ્રેક પર હોય છે, ડાબો પગ ક્લચ પર હોય છે, એક હાથ સ્ટીયરિંગ વ્હીલ પર અને બીજો હાથ ગિયર હેન્ડલ પર હોય છે.
તેમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. યુવાનો ગાડી ચલાવવામાં આટલી મહેનત કરવા નથી માંગતાં, તેથી ઓટોમેટિક ગાડીઓ વધુ આરામદાયક લાગે છે. ગિયર વાળી કાર ચલાવવાથી ડ્રાઇવરનું ધ્યાન રોડ પર વધુ રહે છે, કારણ કે બંને હાથ અને પગ વ્યસ્ત રહે છે અને ફોન ચલાવવો મુશ્કેલ હોય છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની વાળા ડ્રાઇવરો માટે પણ આ મદદરૂપ થઈ શકે છે.

